જમાદારે આરોપીને પાગલ ગણાવી ફરિયાદ દબાવી દીધી : મરીન પોલીસની શંકાસ્પદ ભૂમિકાથી માછીમાર આલમમાં રોષ
શાંત દરિયાની લહેરો વચ્ચે માછીમારોનાજીવનમાંઆજે અશાંતિનું તોફાન ઉઠ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના નવાબંદર દરિયાકાંઠે મોટા બોટ માલિકોની ’દાદાગીરી’ અને ’ચાચિયાગીરી’ને કારણે નાનાઅનેગરીબમાછીમારો નો ધંધો ભાંગી પડવાની અણી પર આવી ગયો છે. ખડા બંદરથી 6 કિ.મી. દૂર નોટિફાઇડ ફિશિંગ વિસ્તારમાં ખઢેરા બંદરના એક ગરીબ માછીમારના પ્લોટ પરથી દોઢ લાખ રૂપિયાના ફિશિંગ સાધનોની ચોરીથઈહોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચોંકાવનારી બાબત એ છે કે આરોપીએ ખુદ ગુનો કબૂલ્યો હોવા છતાં નવાબંદર મરીન પોલીસની નિષ્ક્રિયતાથી ભોગ બનનાર માછીમાર ન્યાય માટે દર-દર ભટકી રહ્યો છે.
મળતી વિગતો મુજબ, ગત 10 મે ના રોજ ખઢેરા બંદરના ગરીબ માછીમાર રમેશભાઈ ઉકા ના માલિકીના ફિશિંગ પ્લોટ પર કેટલાક શખસોએ ત્રાટકી હતી. રમેશ ભાઈએ દરિયામાં ’બોયા’ અને ’કાબા’ નાખીને પોતાનો ફિશિંગ વિસ્તાર નક્કી કર્યો હતો. આરોપીઓએ રાતના અંધારાનો લાભ લઈને બોયા સાથે બાંધેલા દોરડા કાપી નાખ્યા, લોખંડના ખીલા, રીંગ સહિત અંદાજે દોઢ લાખ રૂપિયાની કિંમતનો સામાન બોટમાં ભરીને ફરાર થઈ ગયા હતા
આ ઘટનાની જાણ રમેશભાઈએ તાત્કાલિક નવાબંદર મરીન પોલીસને કરી. પોલીસે ફરિયાદને બદલે માત્ર ’અરજી’ સ્વીકારી. તપાસમાં સૌથી ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે આરોપી અશ્વિન બચુ પરમાર નામ ના શખસે માછીમાર સમાજના અગ્રણી સોમાભાઈ મજીઠીયા સમક્ષ મોબાઈલ ફોન પર સ્પષ્ટ કબૂલાત કરી કે, “હા, અમે જ દોરડા કાપીને સામાન ઉઠાવી ગયા હતા અને બોટ માલિકના ઘરે નાખી દીધા હતા.આટલી સ્પષ્ટ કબૂલાત બાદ પણ તપાસ કરનાર જમાદારે આરોપીને ’પાગલ’ ગણાવીને સમગ્ર મામલાને રફેદફે કરી દીધો. ગરીબ માછીમારની વેદના અને સત્ય હકીકત હોવા છતાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા રમેશભાઈ નો ધંધો ઠપ્પ થઈ ગયો છે અને તે આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયો છે.
ફરિયાદીના જણાવ્યા મુજબ, આ સમગ્ર ગેરકાનૂની કૃત્ય કાશી પ્રસાદ નામની બોટ દ્વારા આચરવામાં આવ્યું છે. આરોપીઓએ ખુલ્લેઆમ બોયા, લોખંડના પાઈપ, દોરડા અને જાળ નાખીને રમેશભાઈના નિશ્ચિત ફિશિંગ પ્લોટ પર કબજો જમાવવાનો પ્રયાસ કર્યા નો આક્ષેપ કર્યો છે
સ્થાનિક માછીમારોના જણાવ્યા મુજબ, નવાબંદર અને દીવના કેટલાક મોટા બોટ માલિકો દ્વારા કેરોસીન કે ડીઝલથી ચાલતી નાની બોટો અને એક જ જગ્યાએ ફિક્સ બોયા-કાબા પર ફિશિંગ કરતા ગરીબ માછીમારો ની જગ્યા ઝૂંટવી લેવા માટે સતત ’ચાચિયાગીરી’ ચલાવવામાં આવી રહી છે. દરિયામાં ફિશિંગ પ્લોટની જગ્યા માટે ’મોટા માથા’ દ્વારા નાના માછીમારોને ધાક ધમકી આપીને હાંકી કાઢવાની ઘટનાઓ વારંવાર બની રહી છે.
નાના ગરીબ માછીમાર ચેતવણી આપી રહ્યા છે કે જો નવાબંદર મરીન પોલીસ આવી લુખ્ખાગીરી અને દાદા ગીરીને તાત્કાલિક ડામશે નહીં, તો ભૂતકાળમાં દરિયાઈ સરહદો માટે થયેલા ખુની ખેલ, લૂંટ અને મારામારીની ઘટનાઓનું પુનરાવર્તન થતા વાર નહીં લાગે. વિશાળ સાગરમાં પણ માછીમારોને પોતાની ફિશિંગની જગ્યા માટે જંગ ખેલવો પડી રહ્યો છે, જેઅત્યંતગંભીરબાબત છે.
આ સમગ્ર પ્રકરણમાં નવાબંદર મરીન પોલીસની ભૂમિકા શંકાસ્પદ બની છે. આરોપીની કબૂલાત, ભોગ બનનારની સ્પષ્ટ રજૂઆત અને દોઢ લાખના નુકસાન છતાં પોલીસ દ્વારા ’દોઢીયા’ મારફતે મામલો રફેદફે કરી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. પોલીસનું આ મૌન કોઈ અઘટિત ઘટનાને આમંત્રણ આપી રહ્યું હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.
ગરીબ માછીમારનો સવાલ: શું મળશે ન્યાય?
ખઢેરા બંદરનો ગરીબ માછીમાર રમેશભાઈ ઉકા આજે ન્યાય માટે વલખાં મારી રહ્યો છે. તેનો એક જ સવાલ છે કે, “શું ઉનાની પોલીસ મારી ફરિયાદ બાબતે તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ ધમધમાવીને ગુનેગારોને પકડશે? શું મારી દોઢ લાખની પરસેવાની કમાણીથી વસાવેલી ચીજવસ્તુઓ મને પરત મળશે?”હવે સમગ્ર માછીમાર ની નજર પોલીસની કાર્યવાહી પર મંડાયેલી છે. જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો દરિયો પણ સલામત નહીં રહે અને ગરીબ માછીમારોનીઆજીવિકા છીનવાઈ જશે.