કૃતજ્ઞતા વંદના કાર્યક્રમ યોજાશે : શતાબ્દી વંદના કાર્યક્રમમાં સ્વ. વિરેન શાહનો પરિવાર ઉપસ્થિત રહેશે : માળિયાહાટીનામાં બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ કરાશે
માળિયા હાટીના તાલુકાના ખંભાળિયા ગામ ખાતે સોરઠની ધરતીના જળ-જમીન રક્ષક અને દરિયાઈ ખારાશના અવિરત વિરોધક તરીકે ઓળખાતા સ્વ. વિરેન જે. શાહની 100મી જન્મજયંતિ નિમિત્તે વિશેષ કૃતજ્ઞતા વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ખંભાળિયા ગામ સમસ્ત, લીલી નાઘેરના અગ્રણીઓ તથા પ્રયાગરાજ ગ્રુપના સંયુક્ત આયોજન હેઠળ ચાલી રહેલા શ્રીમદ ભાગવત સપ્તાહ માં 12 મે, 2026ના રોજ સાંજે 5 વાગ્યે દાડમ બાપા મંદિરના પટાંગણ ખાતે આ કાર્યક્રમ યોજાશે.
વિરેન શાહનું મૂળ વતન ચોરવાડ હતું અને તેઓ માત્ર સફળ ઉદ્યોગપતિ જ નહીં પરંતુ દુરંદેશી રાજકારણી, જળ સંરક્ષણના શિલ્પી અને ખેડૂત હિતચિંતક તરીકે પણ જાણીતા રહ્યા હતા. 1967થી 1970 દરમિયાન જૂનાગઢ લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ તેમણે સૌરાષ્ટ્રના મૂળભૂત પ્રશ્નોને દેશની સંસદમાં મજબૂત રીતે રજૂ કર્યા હતા. ત્યારબાદ તેઓ બે વખત રાજ્યસભાના સભ્ય પણ રહ્યા હતા અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે પણ સેવા આપી હતી. ખાસ કરીને 1970ના દાયકામાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વધી રહેલી ખારાશ સામે વિરેન શાહે ઐતિહાસિક લડત લડી હતી. તેમના સતત પ્રયાસોથી ગુજરાતમાં હાઈ લેવલ કમિટી – 1 ની રચના થઈ હતી અને માધવપુરથી ઉના સુધીના 130 કિલોમીટર લાંબા દરિયાકાંઠાનો વૈજ્ઞાનિક અભ્યાસ હાથ ધરાયો હતો. ત્યારબાદ ચેકડેમ, ટાઈડલ રેગ્યુલેટર, રિચાર્જ સિસ્ટમ અને જમીન પુન:ખેતીલાયક બનાવવા જેવી વિવિધ પદ્ધતિઓ અમલમાં મુકાઈ હતી. જેના પરિણામે ખારાશગ્રસ્ત વિસ્તાર ફરી હરિયાળો બન્યો અને લીલી નાઘેરને નવજીવન મળ્યું હતું.
વિરેન શાહે સામાજિક ક્ષેત્રે પણ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. ચોરવાડ અને આસપાસના વિસ્તારોમાં આરોગ્ય કેમ્પ, પશુ કેમ્પ, શિક્ષણ અને જળ સંરક્ષણ જેવા અનેક સેવાકીય કાર્યો સાથે તેમણે ગામડાઓના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. મહિલાઓના અધિકારો, જેલ સુધારણા અને આર્થિક ઉદારીકરણ જેવા મુદ્દાઓ પર પણ તેમણે દેશવ્યાપી વિચારધારા ઉભી કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન વિરેન શાહના જીવનપ્રસંગો, જળક્રાંતિમાં આપેલા યોગદાન અને સૌરાષ્ટ્ર માટે કરેલી સેવાઓને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમના આમંત્રણને માન આપીને વીરેનભાઈ શાહનો પરિવાર મુંબઈથી ખાસ હાજરી આપશે. જેમના હૃદયમાં નાઘેરની ધરતી વસે છે, તેવો શાહ પરિવાર (રાજેશભાઈ, સુકેતુભાઈ અને અમિતાબેન) ખાસ મુંબઈથી પધારી રહ્યો છે. શતાબ્દી વર્ષ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ અને વૃક્ષોનું રોપણ કરવામાં આવશે અને મુખ્ય અતિથિ જળ સંપતિ મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ હાજર રહેશે.
જૂનાગઢના ભૂતપૂર્વ સાંસદ વિરેન શાહ દ્વારા માંગરોળ દરિયા કિનારે વધતી જતી ખારાશની રજૂઆત બાદ 1977 માં ગુજરાત રાજ્યના સિંચાઈ મંત્રી કેશુભાઈ પટેલ સ્થળ ઉપર મુલાકાત કરાવીને કુવાના પાણી તેઓને પીવડાવીને ખારાશનો પ્રત્યક્ષ અનુભવ કરાવ્યો હતો અને ખારાશ અટકાવવા માટે ના આયોજન વિશે ચર્ચા કરેલી હતી તે સમયના આ ફોટામાં દ્રશ્યો છે 1978ની સાલમાં જીવનલાલ મોતીચંદ વિનય મંદિરના ઉદઘાટન પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલ સાથે વિરેન શાહ અને ચોરવાડના લોકોની તસ્વીર