સોમનાથ અમૃતપર્વની તૈયારી વચ્ચે બનાવ બન્યો: સાંસદ, ધારાસભ્ય, કલેક્ટર, ચીફ ઓફિસર સહિતનો કાફલો હોસ્પિટલે દોડ્યો
સોમનાથ ખાતે યોજાનાર ‘સોમનાથ અમૃત પર્વની ધામધૂમભેર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે આ તૈયારીઓ વચ્ચે ગત રાત્રી એક કરુણ ઘટના બનેલ જેમાં વેરાવળ નગરપાલિકામાં રોજમદાર કર્મચારી તરીકે છેલ્લા દસેક વર્ષથી ફરજ બજાવતા તાલુકાના ડાભોર ગામના 32 વર્ષીય મહેશ બારીયા નું નારીયેરી પરથી પટકાતા દુ:ખદ મોત નિપજતા સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, સોમનાથ ત્રિવેણી સંગમ નજીક સુરક્ષાના ભાગરૂપે રોડ કિનારે આવેલી એક નારીયેરીમાંથી નારીયેર દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મૃતક મહેશ બારીયા દિવસ દરમિયાન પોતાની ફરજ પૂર્ણ કરીને ઘરે પરત ફર્યા હતા પરંતુ સોમનાથ અમૃત પર્વની તડામાર તૈયારીઓ વચ્ચે નગરપાલિકામાંથી ફરી ફોન કરીને તેમને રાત્રે કામ પર બોલાવવામાં આવ્યા હોવાનું અને પરિવારજનોના જણાવ્યા મુજબ મહેશ રાત્રે નવ વાગ્યા બાદ ઘરેથી નીકળ્યા હતા અને ત્યારબાદ તેમને નારીયેરી પર ચડી નારીયેર ઉતારવાની કામગીરી સોંપવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન અચાનક તેઓ ઊંચાઈ પરથી નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. નગરપાલિકાના સ્ટાફ દ્વારા તેમને તાત્કાલિક વેરાવળની ખાનગી વિમ્સ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતાં પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હતું. મૃતક મહેશ બારીયા પોતાની પત્ની તથા દોઢ માસની માસૂમ દીકરી અને છ વર્ષના દીકરાને નોંધારા મૂકી અનંતની વાટે નીકળી જતા હોસ્પિટલ ખાતે હાજર પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા ડાભોર ગામના લોકો અને કોળી સમાજના આગેવાનોના ટોળાં ઉમટી પડ્યા હતા. આ બનાવની જાણ થતાં સાંસદ રાજેશભાઇ ચુડાસમા, સોમનાથના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા સહિતના સ્થાનિક આગેવાનો, ડે. કલેકટર જૈમીન કાકડીયા, ચીફ ઓફીસર પારસ મકવાણા સહિતના અધિકારીઓ અને સમાજના પ્રતિનિધિઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. વહેલી સવારે સાડા ત્રણ વાગ્યા સુધી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી પૂર્ણ કરાઈ હતી. પરિવારજનોએ નગરપાલિકા તંત્ર પર બેદરકારીના ગંભીર આક્ષેપો કર્યા છે. પૂરતી સુરક્ષા વ્યવસ્થા અને સલામતીના સાધનો વિના જોખમી કામગીરી કરાવવામાં આવી હોવાનું પરિવારનું કહેવું છે. બીજી તરફ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. સોમનાથ અમૃત પર્વની ઉજવણીની તૈયારીઓ વચ્ચે બનેલી આ કરુણ ઘટના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.