સમસ્યા હલ કરવા રતનપુર 66 કેવીથી લગભગ 1 કિ.મી.ની નવી વીજ લાઇન નાખવી જરૂરી
ઉમરાળા અને નજીકના રતનપુર ગામના ખેડૂતોના ખેતીવાડી વીજળી જોડાણો પૈકી કાળુભાર નદીના સામા કાંઠાના ખેડૂતોને રતનપુર 66 કેવીના બદલે છેક વલભીપુરના રાજસ્થળી ફીડરમાંથી પાવર આપવામાં આવતો હોવાથી અવારનવાર ફોલ્ટ સર્જાવાના કારણે ખેડૂતોને સિંચાઈ આધારિત ખેત પેદાશોમાં ભારે નૂકસાન વેઠવું પડતું હોવાની ફરિયાદો રહે છે.ઉમરાળા અને આસપાસનાં ગામોની વીજ પુરવઠાને લગતી ફરિયાદોના નિવારણ માટે જેટકો કંપનીના માધ્યમથી ઉમરાળાથી એક કિ.મી.દૂર રતનપુર ગામની હદમાં 2019માં નવું 66 કેવી સબસ્ટેશન સ્થાપિત કરવામાં આવ્યું.આ 66 કેવીનું લોકાર્પણ થયાને સાત વર્ષ થયાં છતાં રતનપુર અને ઉમરાળાના ખેડૂતોના નદીના સામા કાંઠાની જમીનના ખેતીવાડી વીજ કનેક્શનો હજુ 10 કિ.મી.કરતાં વધુ દૂરથી આવતી વલભીપુરના રાજસ્થળી ફીડરની બહુ જૂની-પુરાણી અને જર્જરિત વીજળી લાઈન સાથે જોડી રાખવામાં આવેલ છે.વીજ લાઈન જૂની અને ગાંડા બાવળોની કાંટ્ય જેવા નિર્જન વિસ્તારમાંથી પસાર થઈને આવતી હોવાથી લાઈનમાં અવારનવાર નાના-મોટા ફોલ્ટ સર્જાતા રહે છે.ખાસ કરીને ખેડૂતોના મોલને પિયત આપવાની ખાસ જરૂરિયાત હોય ત્યારે લાઈનમાં મેજર ફોલ્ટ સર્જાતા રહે છે અને આવા ફોલ્ટ દૂર કરવા અહીં કોઈ તંત્ર ન હોવાથી ફોલ્ટની ફરિયાદ વલભીપુર અથવા ધોળા સબ-ડિવિઝનમાં નોંધાવવી પડે અને આવી ફરિયાદ નોંધાવ્યા પછી ફોલ્ટ નિવારક સ્ટાફ ઉપલબ્ધ થાય ત્યારે ફોલ્ટ શોધવા અને સમારવા આવે ત્યાં સુધીમાં પિયતના અભાવે ખેડૂતોના મોલ સુકાઈ જવાની નોબત આવતી હોવાની ફરિયાદો ઉઠતી રહે છે.હાલ ઉનાળુ મોલ ઊભા છે.સખત સૂર્યતાપ અને કાળઝાળ ગરમીમાં ઉનાળુ મોલને વધુ પિયત આપવાની જરૂરિયાત હોય ત્યારે જ વીજ લાઈનના જમ્પર બળી જવાથી,ટીસીના ફ્યુઝ ઉડી જવાથી કે ડીઓ ખડી જવાથી વીજ પુરવઠો ખોરવાઈ જવાના અને લાંબા સમય સુધી પાવર સપ્લાય બંધ રહેવાની ફરિયાદો વધી છે.
ઉપરોક્ત પરિસ્થતિ હલ કરવા કાળુભારના સામા કાંઠાની જમીન માટે રતનપુર 66 કેવીથી લગભગ એક કિ.મી.ની નવી વીજળી લઈન નાખવાની જરૂર છ.2019માં રૂ.450 લાખના ખર્ચે નવું 66 કેવી ઊભું કરી નવી વીજરેખા બનાવવા પાછળ વધુ રૂ.153 લાખનો ખર્ચ કરનાર વીજ કંપની માટે એક કિ.મી. જેટલી નવી લાઈન ઊભી કરવાનું કામ અશક્ય નહોતું.એ માટે જોગવાઈ હોવાની વાતો પણ બોર્ડના સૂત્રોમાંથી સાંભળવા મળેલી.પણ પછી શું થયું કે એ જોગવાઈની વાત હવાઈ ગઈ…! સંબંધિત વીજ કંપનીએ રતનપુર 66 કેવીથી ઉત્તર તરફ સીધી લીટીમાં વીજ રેખાનું નિર્માણ કરી કાળુભારના સામા કાંઠા સુધી પાવર પહોંચાવા જરૂરી કાર્યવાહી વહેલી તકે કરીને ખેડૂતોની મુશ્કેલી દૂર કરવી જોઈએ તેવી,સામા કાંઠાના વીજ જોડાણ ધરાવતા ખેડૂતોની માંગ છે.