કુ. રીના હસમુખભાઇ વાગડીયા ( ઉ. વ. 47) (મુળ અમરેલી, હાલ અમદાવાદ), તેણી સ્વ હસમુખભાઇ અમૃતલાલ વાગડીયાના પુત્રી તથા કાજલબેન વિરલભાઈ જોષીનાં બહેનનું તારીખ 10-5 ના રોજ અક્ષરધામ ગમન થયેલ છે.
આ કોઈ સાધારણ અવસાનની જાણ નથી પણ એક માતા પિતાની અસાધારણ તપ સાધના અને આત્યંતિક પ્રેમ સેવા સમર્પણની એક સત્ય ઘટનાનો અંત છે.
રીના જ્યારે નાની હતી ત્યારે સામાન્ય બાળકો કરતાં તેનો વિકાસ ધીમો હતો. પાંચમા વર્ષે ખબર પડી કે તેણી સેરિબલ પાલસીની દર્દી છે. મુંબઈના ખ્યાતનામ ડોક્ટરે જ્યારે આ હકીકતની જાણ કરી. ત્યારે અમરેલીની ફોરવર્ડ હાઈસ્કૂલના વિદ્યાર્થી પ્રેમી લોકપ્રિય શિક્ષક હસુભાઈ વાગડિયા અને અરુણાબેન ઉપર વજરાઘાત થયો હતો. અને ત્યારથી દીકરી મા બાપની પુત્રી પ્રત્યેની ભક્તિની એક અદભુત ગાથા સત્ય ઘટનાએ આકાર લેવાનું શરૂ થયું હતું.
લાગ લગાટ સતત 42 વર્ષ સુધી આ પથારીવશ દીકરીને સમયે સમયે ભોજન તેની દૈનિક દિનચર્યા ઉપરાંત તેની સારવાર દેવીપૂજન કરતા હોય તે રીતે હસુભાઈ અને અરુણાબેને દ્વારા હસ્તે મુખે થતું હતું.
હસુભાઈ રિટાયર્ડ થયા અમરેલીથી અમદાવાદ શિફ્ટ થયા અને પોતાના પણ અનેક શારીરિક પ્રશ્નો વચ્ચે તેમણે પણ આજથી થોડા વર્ષો પહેલા વિદાય લીધી હતી. વિદાય વખતે પણ બાપ તો બાપ છે. તેને પોતાની અસહાય દીકરી રીનાની ચિંતા સતાવતી હતી. પણ એક ધરપત હતી કે, મોટી દીકરી કાજલ અને તેના પતિ વિરલ અને અરુણાબેન આ બધું પાર પાડી દેશે.
કોઈ સાધુ પુરુષ એવું વ્રત લે કે હું અમુક વર્ષો સુધી ઘરની બહાર નહીં નીકળું. હસુભાઈને તો બહાર જવું પડે પણ અરુણાબેન વર્ષો સુધી તેણે બજાર જોઈ ન હોતી કે કોઈ લગ્ન પ્રસંગમાં ગયા નથી. કે ફરવા હરવા ગયા નથી તેણે માત્ર પોતાની પુત્રીની સેવાભક્તિને જ જીવન બનાવી લીધું હતું.