જિલ્લા કલેક્ટરે સામાજિક સંસ્થાઓને જાહેર માર્ગ ઉપર પાણીના પરબ ચાલુ કરવા કરી હતી અપીલ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયામાં બસ સ્ટેન્ડ પાસે ઠંડા મિનરલ પાણીના પરબનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે. માતૃકૃપા ગેસ એજન્સીના સૌજન્યથી ભરતભાઈ લાલ પરિવાર દ્વારા આ પરબ શરૂ કરાયું છે.
સમગ્ર ભારતમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે અને હવામાન વિભાગે હીટવેવની એડવાઈઝરી પણ બહાર પાડી છે.
આ સ્થિતિમાં, દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાએ જાહેર સ્થળોએ પાણીની વ્યવસ્થા કરવા સામાજિક અગ્રણીઓ અને સંસ્થાઓને અપીલ કરી હતી.
કલેક્ટરની અપીલના અનુસંધાને, સલાયા બસ સ્ટેન્ડ પાસે, સરકારી દવાખાના સામેના ભાગે આ પરબ સ્થાપિત કરાયું છે. આ પરબને ’માતૃશ્રી પ્રેમબાઈ માં પાણીનો પરબ’ નામ આપવામાં આવ્યું છે.
આવતા-જતા તમામ લોકોને આ પરબનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. પરબના શુભારંભ પ્રસંગે સલાયાના બ્રહ્મસમાજ અગ્રણી અરવિંદભાઈ ભટ્ટ અને જયેશભાઈ પરમાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.