Jai Hind

ઇન્ટરનેશનલ લીગ કેટ સમીટ અંતર્ગત આજથી સાસણ ગીરમાં વન વિભાગ કર્ટેન રાયઝર ઇવેન્ટ યોજાશે

’ઈન્ટરનેશનલ બીગ કેટ સમીટ-2026’ અંતર્ગત ડાલામથ્થા સિંહોના નિવાસ સ્થાન એવા સાસણ ગીર ખાતે આવતીકાલ તા. 13 થી વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક ઐતિહાસિક કામગીરીનો ભારત સરકાર અને ગુજરાત રાજ્યના વન વિભાગના સંયુક્ત ઉપક્રમે ’કર્ટેન રાયઝર ઈવેન્ટ’નું બે દિવસીય ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વૈશ્વિક નિષ્ણાતોનું આગમન થશે અને ભવિષ્યમાં સિંહોના સંવર્ધન માટેના રોડમેપનું મંથન થશે.
જૂનાગઢ જિલ્લાના સાસણ ખાતે યોજાનારા આ બે દિવસીય કાર્યક્રમ દરમિયાન ’બીગ કેટ’ ફેમિલીના સંરક્ષણ માટે ટેકનોલોજીનો ઉપયોગ અને લોકભાગીદારી વધારવા જેવા વિષયો પર પણ ડેલીગેટ્સ દ્વારા ચર્ચા – વિચારણા કરવામાં આવશે. આ સાથે સિંહોના વસવાટ, તેમના ખોરાક, આરોગ્ય અને પર્યાવરણીય પડકારો વિશે ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરાશે. જે ભવિષ્યમાં સિંહોના સંવર્ધન માટેના રોડમેપ તૈયાર કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે.
ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવાઈ રહેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય વન મંત્રી, કેન્દ્ર અને રાજ્યના ઉચ્ચ પદાધિકારીઓ તેમજ દેશ-વિદેશના વન્યજીવ નિષ્ણાતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. જેને લઈને વન વિભાગે મહાનુભાવોના પ્રોટોકોલ, સુરક્ષા અને વ્યવસ્થાપન માટે કુલ 26 અલગ-અલગ સમિતિઓની રચના કરવામાં આવી છે, જેમાં નોડલ અધિકારીઓ અને વન વિભાગના તજજ્ઞોનો સમાવેશ થાય છે. આ સાથે વન વિભાગના તમામ એકમોને આ કામગીરી વન સંરક્ષક, વન્યપ્રાણી વર્તુળ, જુનાગઢના પરામર્શ અને સીધા સંકલનમાં રહીને પૂર્ણ કરવા જણાવાયું છે.
દરમિયાન આ સમીટનો મુખ્ય ઉદ્દેશ્ય સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે વૈશ્વિક સ્તરે અસરકારક રણનીતિ ઘડવાનો તેમજ ગીરના વિશ્વવિખ્યાત સિંહ સંરક્ષણ મોડેલને વૈશ્વિક ફલક પર રજૂ કરવાનો હોવાનું વન વિભાગ દ્વારા જાણવા મળી રહ્યું છે. તથા આ ઈવેન્ટના માધ્યમથી ગીર પ્રવાસનને વૈશ્વિક સ્તરે નવું બળ મળશે અને સિંહોના અસ્તિત્વને જાળવી રાખવાની ગુજરાતની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બનશે તેવું મનાઈ રહ્યું છે.