Jai Hind

ટેન્કર પાછળ ટકરાતા સ્લીપર બસ બની અગનગોળો: ચાર જીવતા ભડથુ

ચોટીલા હાઇવે પર મધરાતે સર્જાયો ગમખ્વાર અકસ્માત
મુસાફરોની ચીસોથી હાઇવે ગુંજી ઉઠયો: અકસ્માતમાં 10 યાત્રીઓ ઘાયલ: સ્થાનિકો, નજીકની હોટેલોનો સ્ટાફ, પોલીસે તાત્કાલીક મદદે આવી બસના કાચ તોડી 35થી વધુ મુસાફરોને બચાવ્યા: મૃતકોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરાઇ: બસ અમદાવાદથી તાલાલા સોમનાથ જતી હતી

ચોટીલા – સાયલા નેશનલ હાઇવે પર સાંગાણી ગામના બોર્ડ નજીક ગત રાત્રે આશરે દોઢ વાગ્યાના સુમારે એક હૃદયદ્રાવક અને રૂવાડા ઊભા કરી દેનારો અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી તાલાલા – સોમનાથ જવા નીકળેલી ’મધુરમ ટ્રાવેલ્સ’ની સ્લીપર કોચ બસ આગળ જઈ રહેલા ડામર ભરેલા ટેન્કર સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસના આગળના ભાગમાં જોતજોતામાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ કરૂણાંતિકામાં ચાર વ્યક્તિઓ બસની અંદર જ જીવતા ભડથું થઈ ગયા હતા, જ્યારે અન્ય 10 મુસાફરો ગંભીર રીતે દાઝી જતાં ઈજાગ્રસ્ત થયા હતા.
અફડાતફડી વચ્ચે બચાવ કામગીરી: અકસ્માત સમયે બસમાં અંદાજે 40 જેટલા મુસાફરો સવાર હતા. મધરાતે અચાનક થયેલા ધડાકા અને આગની લપેટોને કારણે સ્લીપર કોચના સોફા બોક્સમાં સૂતેલા મુસાફરોમાં ભારે નાસભાગ અને ચીસાચીસ મચી ગઈ હતી. ચીસો સાંભળીને હાઇવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો, નજીકના પેટ્રોલ પંપનો સ્ટાફ અને સ્થાનિક હોટલોના કર્મચારીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. પોલીસ અને સ્થાનિક લોકોએ હાથમાં જે આવ્યું તે હથિયાર બનાવી બસના કાચ તોડી નાખ્યા હતા અને સમયસૂચકતા વાપરીને મોટાભાગના મુસાફરોને સલામત બહાર કાઢી લીધા હતા. જોકે, કમનસીબે ચાર મુસાફરો અંદર ફસાઈ જતાં તેઓને બચાવી શકાયા નહોતા.
તંત્રની ત્વરિત કાર્યવાહી: ઘટનાની જાણ થતાં જ ચોટીલા પોલીસ સ્ટેશનનો કાફલો અને ડેપ્યુટી કલેક્ટર એચ. ટી. મકવાણા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ટેન્કરમાં ડામર ભરેલો હોવાથી આગે ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ પર કાબૂ મેળવવા માટે ચોટીલા અને થાનગઢથી ફાયર ફાઇટરોને બોલાવી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને ભારે જહેમત બાદ આગ શાંત પડી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
મૃતકોની ઓળખ માટે ઉગઅ ટેસ્ટ: આ ભયાનક આગમાં મૃતદેહો સંપૂર્ણપણે બળી ગયા હોવાથી તેમની ઓળખ કરવી મુશ્કેલ બની હતી. આથી મૃતકોની સત્તાવાર ઓળખ મેળવવા માટે રાજકોટ ખાતે ડીએનએ (ઉગઅ) ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક વિગતો મુજબ, મૃતકોમાં બસના ચાલક સિદ્ધાર્થપરી ઉર્ફે લાલાભાઈ ગોસ્વામી (ઉં.વ. 34, રહે. જૂનાગઢ) તથા અમદાવાદના રહેવાસી અને કોઈ પ્રસંગોપાત જૂનાગઢ જઈ રહેલા મુસ્લિમ પ્રોઢ દંપતી ઝબ્બારભાઈ ખીચી અને તેમના પત્ની નસુબેન ખીચીનો સમાવેશ થાય છે. ડીએનએ મેચ કરવા માટે તેમના પરિવારજનોના બ્લડ સેમ્પલ લેવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ડામર ભરેલું ટેન્કર રોડ ઉપર બંધ પડેલું કે રનિંગ હતું તે તપાસનો વિષય?
ચાર માનવ જીવ નો ભોગ લેનાર અને બસ ને અગન ગોળો બનાવનાર ડામર ભરેલ ટેન્કર રોડ વચ્ચે બંધ હાલતમાં ઉભુ હતું અને કોઈ ઇમરજન્સી દર્શાવતી રેડીયમ કે અન્ય આડાશ ન હોવાથી પુરપાટ આવતી બસ ના ચાલક ને રાત્રીના અંધારામાં ધડાકાભેર અથડાઈ પડેલ હોવાની ચર્ચા છે ત્યારે તંત્ર દ્વારા પ્રાથમિક ટેન્કરનું ટાયર ફાટતા બસ ધડાકાભેર અથડાયાનું કહેવાય છે જે બાબત તપાસનો વિષય બનેલ છે.
અકસ્માતની કલાકો બાદ નેશનલ હાઇવે ઓથોરીટી ની બેદરકારી જોવા મળી!
ગત રાત્રીના ગમખ્વાર અકસ્માત બાદ બીજા દિવસે બપોર સુધી નેશનલ હાઇવે ઉપર ઘટના સ્થળ આસપાસ રોડ ઉપર કેમીકલ રૂપી ડામર વેરાયેલો જેને કારણે અન્ય વાહન ચાલકો ભોગ બન્યા હતા પણ સ્થાનિક અધિકારી ના ધ્યાને આવતા ઉધડો લેતા તંત્ર દોડતું થયેલ અને વેરાયેલ ડામર ઉપર રેપો નાખવામાં આવેલ હતો.
ચોટીલા બસ દુર્ઘટના: મોતને હાથતાળી દઈ પરત ફરેલા મુસાફરોએ વર્ણવી આપવીતી મેંદરડાની છાત્રા, તાલાલાના ફોજી સહિત 3 ઇજાગ્રસ્તો રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ
ચોટીલાના સાંગાણી પાસે ગત મોડી રાત્રે ડામર ભરેલા ટેન્કર પાછળ ખાનગી લક્ઝરી બસ અથડાતા સર્જાયેલા ભયાનક અકસ્માતમાં 4 મુસાફરો જીવતા ભુંજાયા છે, જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા ત્રણ મુસાફરોને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના બર્ન્સ વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના બિછાનેથી ઇજાગ્રસ્તોએ તે કાળરાત્રિનો ભયાનક મંજર વર્ણવ્યો હતો.
વિધીબેન પટોડીયા (ઉં.વ. 18, રહે. મેંદરડા): જુનાગઢમાં ઇઈઅનો અભ્યાસ કરતી વિધી અમદાવાદ વેકેશન માણી પરત ફરી રહી હતી. તેણે જણાવ્યું કે, “હું નીચેની બર્થમાં હોવાથી જાગતી હતી. અચાનક જોરદાર ધડાકો થયો અને બસમાં ભડકા થવા લાગ્યા. જીવ બચાવવા હું દરવાજા તરફ ભાગી અને બહાર નીકળી ગઈ, પરંતુ આ દરમિયાન મારા બંને હાથ-પગ દાઝી ગયા હતા.”
નરેન્દ્રભાઇ રાઠોડ (ઉં.વ. 50, રહે. તાલાલા – ફોજી): પશ્ચિમ બંગાળમાં ભારતીય સેનામાં ફરજ બજાવતા નરેન્દ્રભાઇ રજામાં વતન આવી રહ્યા હતા. અકસ્માત સમયે તેઓ નિદ્રાધીન હતા. ધડાકો થતા જ તેઓ જાગી ગયા અને ડ્રાઇવરની પાછળની સીટ હોવાથી તુરંત બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. તેમણે અન્ય મુસાફરોને બચાવવા માટે પણ જહેમત ઉઠાવી હતી.
નાગરાજભાઇ રાળા (ઉં.વ. 30, રહે. તાલાલા – ડ્રાઇવર): નાગરાજભાઇ અન્ય એક ખાનગી બસના ડ્રાઇવર છે. અકસ્માત જોઈ તેઓ માનવતાના નાતે મુસાફરોને બચાવવા સળગતી બસ પાસે પહોંચ્યા હતા. અન્ય લોકોને બચાવવાની પ્રક્રિયામાં તેઓ પોતે બંને પગે દાઝી ગયા હતા.
ગઈકાલે રાત્રે દોઢ વાગ્યાની આસપાસ સર્જાયેલી આ દુર્ઘટનામાં સ્લીપર કોચ બસ જોતજોતામાં અગનગોળો બની ગઈ હતી. મોટાભાગના મુસાફરો ગાઢ નિદ્રામાં હતા ત્યારે જ કાળનો પંજો ત્રાટક્યો હતો. હાલ રાજકોટ ખસેડાયેલા ત્રણેય ઇજાગ્રસ્તો સારવાર હેઠળ છે.