રાજકોટ-કંડલામાં પારો બે ડિગ્રી સુધી ગગડી 43 ડિગ્રીએ પહોંચતા લોકોને ભીષણ ગરમીમાંથી આંશિક રાહત મળી
રાજકોટમાં 20 કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો : તંત્ર એલર્ટ
ભાવનગરમાં ગુરૂવારે સીઝન નું સૌથી વધુ મહત્તમ તાપમાન 45.2 ડિગ્રી નોંધાયું હતું. આજે રાજ્યમાં સૌથી વધુ ગરમ શહેર ભાવનગર રહેવા પામ્યું છે. અંગ દઝાડતી ગરમીને કારણે શહેરના માર્ગો બપોરે સૂમસાન ભાસતા હતા. મોડી સાંજ સુધી ગરમ લુ ફેકાઈ હતી.
ગુજરાતમાં હીટવેવના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ભીષણ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આજથી ગુજરાતના કેટલાક વિસ્તારોને ગરમીમાંથી આંશિક રાહત મળશે જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગર, અને કચ્છમાં હીટવેવનું ઓરન્જ અને યલો એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. ગુરૂવારે ભાવનગર 45.2 ડિગ્રીએ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. જ્યારે કંડલા અને રાજકોટમાં તાપમાનનો પારો બે ડિગ્રી સુધી ઘટ્યો હતો. વંટોળ ફુંકાતા નગરજનોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજથી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમી વર્તાશે, સુરેન્દ્રનગર, રાજકોટ અને કચ્છમાં હીટવાનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, પોરબંદર, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે હવે ગરમીનો પ્રકોપ ધીમે ધીમે ઓછો થશે. રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાનનો પારો નીચે આવી શકે છે. મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પારો 41 થી 42 ડિગ્રીની નીચે આવશે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને આસપાસ રહેશે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં પારો 32થી 35 ડિગ્રીને વચ્ચે રહેશે.
ચોમાસા અંગે આગાહી કરતા તેમણે જણાવ્યું હતું કે, તા. 19થી 23 મે ના સુધી રાજ્યમાં (પ્રિ મોનસુન એક્ટિવીટીનો પ્રારંભ થશે. રાજ્યના વિવિધ વિભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે. તા. 22-23મે ના રોજ દરિયામાં નવી સિસ્ટમ સક્રિય થશે.
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની સ્થિતિ યથાવત રહી છે. ગુરૂવારે ભાવનગરમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર થયો હતો. જ્યારે કંડલા અને રાજકોટમાં પારો 43 ડિગ્રીને પાર થયો હતો.
રાજકોટમાં પવનો ફુંકાતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. તેમજ તાપમાનનો પારો બે ડિગ્રી સુધી ગગડ્યો હતો. રાજકોટમાં બપોરે 22 અને સાંજે 26 કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો હતો.
ગોહિલવાડ પંથકમાં ઉનાળાએ આકરો મિજાજ ધારણ કરતાં આજે ભાવનગરમાં સિઝનની સૌથી વધુ 45.2 ડિગ્રી સેલ્સિયસ ગરમી નોંધાઈ હતી. આગ ઝરતી ગરમી અને હીટવેવ જેવી પરિસ્થિતિના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. બપોરના સમયે રસ્તાઓ સૂમસામ બન્યા હતા જ્યારે સાંજ બાદ આઈસ્ક્રીમ પાર્લર, ઠંડા પીણાની દુકાનો અને બગીચાઓમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી.
આજે શહેરનું મહત્તમ તાપમાન ચાર ડિગ્રીના ઉછાળા સાથે 45.2 ડિગ્રી સુધી પહોંચ્યું હતું જ્યારે લઘુત્તમ તાપમાન 28.0 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 41 ટકા રહ્યું હતું તેમજ પવનની ઝડપ 20 કિ.મી. પ્રતિ કલાકની નોંધાઈ હતી. દિવસભર લૂ ફૂંકાતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.
