Jai Hind

જૂનાગઢમાં આશા ભોંશલેને સંગીતમય ભાવાંજલિ અર્પણ કરાશે

આજે રાત્રે 9 થી 12 દરમિયાન ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતે કાર્યક્રમનું આયોજન

ભારતીય સંગીત જગતમાં પોતાના અદ્વિતીય સ્વર, અનોખી અભિવ્યક્તિ અને અનંત યાદગાર ગીતોથી કરોડો હૃદયોને સ્પર્શનાર લેજેન્ડરી ગાયિકા આશા ભોંશલેજી પ્રત્યે શ્રદ્ધા, પ્રેમ અને સંગીતમય ભાવાંજલિ અર્પણ કરવાનો પવિત્ર અવસર આવી પહોંચ્યો છે. તેમની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે જૂનાગઢની પવિત્ર ધરતી પર એક એવી અનોખી સંગીત સંધ્યા યોજાઈ રહી છે જ્યાં યાદો પણ ગાશે, લાગણીઓ પણ ઝૂમશે અને દરેક હૃદય આશાજીના અમર સ્વરોને નમન કરશે.
તરાસો મ્યુઝિકલ ગ્રુપ જૂનાગઢ દ્વારા, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી તથા પરશુરામ ફાઉન્ડેશન જૂનાગઢના સૌજન્યથી આયોજિત આ વિશિષ્ટ કાર્યક્રમ માત્ર એક સંગીતમય રાત્રિ નથી પરંતુ એ એક એવી ભાવભીની સ્વરાંજલિ છે જ્યાં સંગીતપ્રેમીઓ આશાજીના સૂરોથી ફરી એકવાર તેમની યાદોમાં તરબોળ થઈ જશે.
તા. 16/05/2026, શનિવારના રોજ રાત્રે 9:00 થી 12:00 દરમિયાન, ઔદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, મનોરંજન ગેસ્ટ હાઉસ સામે, ટાઉનહોલ પાછળ, જૂનાગઢ ખાતે આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહેશે ઈન્ટરનેશનલ સિંગર તરલાબેન સોમાણીનો સુમધુર કંઠ, જે આશા ભોંશલેજીના અવિસ્મરણીય ગીતોને પોતાના સ્વરમાં એવી રીતે જીવંત કરશે, તેમની સાથે અમદાવાદના પ્રસિદ્ધ ઈન્ટરનેશનલ મેલોડી સ્ટાર ઓરકેસ્ટ્રા વૃંદનું સંગીતમય સાથ સમગ્ર માહોલને વધુ ભવ્ય, જીવંત અને રોમાંચક બનાવી દેશે. આ સાથે અમદાવાદના સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર નરેશ વોરા પોતાના નિખાલસ હાસ્ય અને અનોખી કલાથી ઉપસ્થિત સૌને હાસ્યરસમાં તરબોળ કરશે.