ભાણવડમાં યુવાન પર છરીથી હુમલો કરી મારી નાંખવાની ધમકી
મીઠાપુરમાં સગીરે યુવતી સાથે મિત્રતા કર્યાનો ખાર રાખી ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. જ્યારે ભાણવડમાં યુવાન પર છરીથી હુમલો કરી મારી નાંખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મીઠાપુર વિસ્તારમાં રહેતા એક સગીરને આ વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે મિત્રતા હોય, આ બાબત અંગે અદાવત રાખી અને આ ફરિયાદી સગીર જ્યારે તેના માસીના દીકરાને ઘરે મૂકીને પરત થઈ રહ્યો હતો, ત્યારે એક માર્ગમાં રહેલા લખન સોમાજી અને રવિ દિપક નામના બે શખ્સોએ તેને ઢીકાપાટુનો માર મારી, હાથમાં પહેરેલા કળા વળે તેમને ઈજાઓ પહોંચાડી હતી.આ પછી ઉપરોક્ત બંને શખ્સો સાથે અન્ય બે શખ્સો રામભાઈ સોમજી અને કરણ દીપલ નામના બે મળી ચારેય શખ્સોએ આ સગીરને પુન: રાત્રિના બાર વાગ્યે સમાધાન કરવાના બહાને આંબેડકર ગેઈટ પાસે બોલાવી અને છરી તથા ધોકા જેવા હથિયારો વડે હુમલો કરતા તેમને લોહી-લુહાણ હાલતમાં હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
આ પ્રકરણમાં આરોપીઓએ બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે તમામ ચાર આરોપીઓ સામે બી.એન.એસ. અને જી.પી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.ભાણવડના મોડપર ગામે રહેતા મુન્નાભાઈ રણછોડભાઈ ચુડાસમા નામના 37 વર્ષના યુવાન તેમના એક પરિચિતના ઘરે ધાર્મિક પ્રસંગ હોવાથી ત્યાં ગયા હતા. અહીં તેમના સગા સંબંધીઓ હતા, ત્યારે મોડપર ગામનો સવજીભાઈ રમેશભાઈ પરમાર નામનો શખ્સ અહીં દારૂ પીને આવ્યો હતો અને બિભત્સ ગાળો બોલતા ફરિયાદી મુન્નાભાઈ ચુડાસમા ના કહી હતી. આનાથી ઉશ્કેરાઈને આરોપીએ મુન્નાભાઈને કહેલ કે “તું મારી પત્ની સાથે વાતો કેમ કરે છે?” તેમ કહીને તેની પાસે રહેલી છરી મુન્નાભાઈને મારી દીધી હતી. જેથી તેમને ઈજાઓ થવા પામી હતી.આટલું જ નહીં, આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા આ સમગ્ર મામલે ભાણવડ પોલીસ મથકમાં સવજી રમેશભાઈ પરમાર સામે ગુનો નોંધાયો છે.
ઢોર બાંધવા બાબતે નાના આંબલાના મહિલાને ધમકી
ખંભાળિયા તાલુકાના નાના આંબલા ગામના સીમ વિસ્તારમાં રહેતા સારબાઈ તાલબભાઈ ઈસ્માઈલભાઈ ગજણ નામના 65 વર્ષના વૃદ્ધ મહિલા તેમના પરિવારજનો સાથે લગ્ન પ્રસંગમાં ગયા હતા. આ પછી આ જ વિસ્તારમાં રહેતા ઓસમાણ બચુભાઈ ગજણના ઢોરને ખીલે બાંધવા બાબતે થયેલી બોલાચાલી બાદ ફરિયાદી સારબાઈ ગજણને આરોપી ઓસમાણ ગજણ દ્વારા બિભત્સ ગાળો ભાંડી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ વાડીનાર મરીન પોલીસ મથકમાં ધોરણસર ગુનો નોંધાયો છે.
અરજીનો ખાર રાખી, પટેલકાના આધેડ પર ચાર નો હુમલો
કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે રહેતા નગાભાઈ નારણભાઈ ચાવડા નામના 50 વર્ષના આધેડે અગાઉ પોલીસમાં અરજી આપી હોય, આ બાબતનું મનદુ:ખ રાખીને આ જ ગામના પ્રવિણ ડાયાભાઈ ચાવડા, મહેશ પ્રવીણભાઈ, ભાવેશ પ્રવીણભાઈ અને જયેશ દેવશીભાઈ ચાવડા ગામના ચાર શખ્સોએ તેમને ધોકા અને લોખંડના પાઇપ વડે બેફામ માર મારી, ઈજાઓ કરવા સબબ સ્થાનિક પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
રાજપરાનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયા
દ્વારકા તાબેના રાજપરા ગામે રહેતા સાજાભા ઘુઘાભા માણેક નામના 27 વર્ષના શખ્સને એલસીબી પોલીસે રૂ. 4,000 ની કિંમતની વિદેશી દારૂની ચાર બોટલ તથા મોબાઇલ ફોન સાથે ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણના સપ્લાયર તરીકે નાગેશ્વર પેટ્રોલ પંપની પાછળ રહેતા રણમલભા સામળાભા સુમણીયા નામના શખ્સનું નામ ખુલવા પામ્યું છે. જે અંગે મીઠાપુર પોલીસે ગુનો નોંધી, આગળની તપાસ ધરી છે.