Jai Hind

અમરેલી: રૂા.44.09 કરોડના ખર્ચે ખોડિયાર કેનાલ નેટવર્કના સમારકામની કામગીરીનો આરંભ

નવીનીકરણથી અંદાજે 18 ગામોના ખેડૂતોને અને 9864 હેક્ટર સિંચાઈ વિસ્તારને લાભ મળશે

અમરેલી જિલ્લાના ખેડૂતોને વધુ સુદ્રઢ અને સુલભ સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુથી ખોડીયાર સિંચાઈ યોજનાના કેનાલ નેટવર્કના સમારકામ અને નવીનીકરણની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આશરે 93 કિલોમીટર લાંબી ખોડીયાર સિંચાઈ યોજનાની કેનાલના લાઈનીંગ તેમજ સ્ટ્રક્ચરોના આધુનિકીકરણ, પુન:સ્થાપન અને નવીનીકરણના કામો કુલ રૂપિયા 44.09 કરોડના ખર્ચે 6 પેકેજમાં હાથ ધરવામાં આવશે, જેના થકી અમરેલી જિલ્લાના અંદાજિત 18 ગામોના ખેડૂતોને સીધો લાભ મળશે તેમજ કુલ 9864 હેક્ટર વિસ્તારને સિંચાઈ સુવિધાનો લાભ પ્રાપ્ત થશે.
આ પ્રસંગે મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે, ખોડીયાર કેનાલ નેટવર્કના નવીનીકરણથી કેનાલમાં પાણી વહન ક્ષમતા વધશે, અને પાણીનો બગાડ ઘટશે, લીકેજમાં ઘટાડો થશે. અને ખેડૂતોને તેમની માંગ મુજબ સમયસર સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થઈ શકશે.કેનાલના આધુનિકીકરણથી કૃષિ ઉત્પાદન વધારવામાં પણ નોંધપાત્ર ફાયદો થશે.
આ યોજના અમરેલી જિલ્લાના કૃષિ વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે અને ખેડૂતોને લાંબા ગાળે સ્થિર સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવશે. આ કામગીરીના પ્રથમ તબક્કામાં મેઇન કેનાલ સંબંધિત પેકેજ-1, 2 અને 3ના અંદાજિત રૂપિયા 12 કરોડના કામો હાથ ધરવામાં આવ્યા છે, જ્યારે આગામી તબક્કામાં માઇનોર કેનાલના પેકેજ-4 થી 6ના કામો અમલમાં મુકવામાં આવશે. પેકેજ-1 હેઠળ 158 હેક્ટર, પેકેજ-2 હેઠળ 143 હેક્ટર, પેકેજ-3 હેઠળ 201.23 હેક્ટર, પેકેજ-4 હેઠળ 1873.73 હેક્ટર, પેકેજ-5 હેઠળ 1931.87 હેક્ટર અને પેકેજ-6 હેઠળ 4590.41 હેક્ટર વિસ્તારને લાભ મળશે.
આ પેકેજ અંતર્ગત ચલાલા, માળીલા, દેવરાજીયા, કેરિયાચાડ, મેડી, તરવડા, વાંકિયા, સાજીયાવગર, તરકતળાવ, પીઠવાજાળ, રાજસ્થળી, શંભુપરા, ગોખરવાળા, ખડખંભાળિયા, નાના ગોખરવાળા, ચાંદગઢ, લાપાળીયા, ગરમલીસ નવા ચરખા, કથીરવગરને લાભ મળશે.