Jai Hind

ઉનાના ઝાંખરવાડામાં સમાજમાં કલંકીત કૃત્ય સામે આવ્યું

રે કળીયુગ: દારૂ પીવાના પૈસા ન આપતા હેવાન પુત્રએ જનેતાને ધોકાથી લોહીલુહાણ કરી: લાકડાના ધોકાથી બેરહેમીપૂર્વક માર મારતા માતાને લોહીલુહાણ હાલતમાં ભાવનગર સારવાર અર્થે ખસેડાયા: હૈયાફાટ રૂદનથી હોસ્પિટલ પરિસદ ગુંજી ઉઠયું

સંબંધોને લજવે અને માનવતાને કલંકિત કરે તેવી એક હૃદયદ્રાવક અને આઘાતજનક ઘટના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ઝાંખરવાડા ગામમાંથી સામે આવી છે. દારૂના નશાની લતે અંધ બનેલા એકકળિયુગી અને નરાધમ પુત્રએ સગી જનેતા પર જ લાકડાના ધોકા થી પ્રાણઘાતક હુમલો કરીને સમગ્ર સમાજનું માથું શરમથી ઝુકાવી દીધું છે. જનેતાના લોહીથી રંગાયેલા આ હેવાન પુત્રના ચહેરા પર પસ્તાવાનો એક અંશ પણ ન દેખાતા હાજર સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા.પ્રાપ્ત વિગતો અનુસાર, ઝાંખરવાડા ગામમાં રહેતા જશુબેન જમનાદાસ સોલંકી ના પતિનું અવસાન થઈ ચૂક્યું છે. તેમના પરિવારમાં બે દીકરીઓ અને એકનો એક દીકરો ચેતન છે. દારૂની લતે વશ થયેલા ચેતને તેની વિધવા માતા જશુબેન પાસે દારૂ પીવા માટે પૈસાની માંગણી કરી હતી.ઘરની આર્થિક પરિસ્થિતિથી વાકેફ માતાએ જ્યારે પૈસા આપવાની અસમર્થતા દર્શાવી અને ના પાડી, ત્યારે ક્રોધે ભરાયેલા ચેતને સંબંધોની તમામ મર્યાદાઓ ઓળંગી નાખી. ઉગ્ર બોલાચાલી બાદ તેણે ઘરમાં પડેલો લાકડાનો ધોકો ઉપાડ્યો અને જન્મ આપનારી જનેતા પર જ જાનવરની માફક તૂટી પડ્યો. બેરહેમીપૂર્વકના આ હુમલામાં જશુબેન લોહીલુહાણ થઈને ઢળી પડ્યા હતા.
હુમલા બાદ આસપાસના લોકોએ માનવતા દાખવી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ગંભીર રીતે ઘાયલ જશુબેનને ઉનાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફરજ પરના તબીબોએ પ્રાથમિક સારવાર બાદ તેમની સ્થિતિ અત્યંત નાજુક અને જીવલેણ હોવાનું જણાવ્યું હતું. માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી અને વધુ પડતું લોહી વહી જવાથી તેમની હાલત કથળતા, વધુ સઘન સારવાર માટે તેમને તાત્કાલિક ભાવનગરની સર ટી. સિવિલ હોસ્પિટલ માં રિફર કરવામાં આવ્યા છે, જ્યાં તેઓ હાલ જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યા છે.આ સમગ્ર ઘટનાનું સૌથી કરુણ અને આઘાતજનક પાસું એ હતું કે, પોતાની સગી માતાને મરણતોલ માર માર્યા બાદ હુમલાખોર પુત્ર ચેતન પોતે જ માતાને લઈને હોસ્પિટલ પહોંચ્યો હતો. પરંતુ તેના ચહેરા પર રતીભાર પણ અફસોસ, પસ્તાવો કે શરમ જોવા મળતી નહતી. હોસ્પિટલના પરિસરમાં પણ તે બેધડક અને બેશરમીથી એમ જ બોલી રહ્યો હતો કે, હું મારી મા પાસે દારૂ પીવા ના જ પૈસા માંગતો હતો. તેના આ શબ્દો સાંભળીને હાજર તબીબો, સ્ટાફ અને લોકોના હૈયા કંપી ઉઠ્યા હતા.ઘટનાની જાણ થતાં જ ઉના પોલીસની ટીમ તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી. પરિસ્થિતિની ગંભીરતા પારખીને પોલીસે હોસ્પિટલ પરિસરમાંથી જ હુમલાખોર પુત્ર ચેતન સોલંકીને ઝડપી લઈ કસ્ટડીમાં લીધો છે. પોલીસ દ્વારા હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આગળનીકાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

એકના એક દીકરાના કૃત્યથી અરેરાટી
વિધવા માતાનો એકનો એક આધારસ્તંભ ગણાતા દીકરાએ જ જ્યારે માતાને મોતના મુખમાં ધકેલી દીધી, ત્યારે સમગ્ર ઝાંખરવાડા ગામ સહિત પંથકમાં ઘેરા શોક અને અરેરાટી ની લાગણી ફેલાઈ ગઈ છે. દારૂના નશાએ એક આખા પરિવારને વેરવિખેર કરી નાખ્યો અને માતૃત્વના પવિત્ર સંબંધને લોહીથી રંગી દીધો. સૌ કોઈ એક જ સવાલ પૂછી રહ્યા છે કે શું નશાની લત માણસ ને આટલી હદે હૈવાન બનાવી શકે?