ઓનલાઇન પ્લેટફોર્મ પર નકલી દવાઓના વધતા વેચાણથી સ્થાનીકોના ધંધાને અસર થયાનો આક્ષેપ: ઇમર્જન્સી કેસમાં દવા ઉપલબ્ધ રાખવા વ્યવસ્થા
ઓનલાઇન અને ગેરકાયદે ચાલતા નકલી દવાઓના વેચાણના વિરોધમાં દેશભરના કેમીસ્ટો -ફાર્માસીસ્ટોએ આપેલા એક દિવસીય હડતાલના એલાનમાં સૌરાષ્ટ્રના કેમીસ્ટો-ફાર્માસીસ્ટો જોડાશે. ઇમર્જન્સી કેસમાં દવા ઉપલબ્ધ રાખવાની વ્યવસ્થા કરાઇ છે.
ગેરકાયદેસર રીતે ચાલી રહેલી ઈફામ ર્સી અને ઓનલાઈન દવાઓ પર આપવામાં આવતા અતિશય ડિસ્કાઉન્ટના વિરોધમાં આગામી 20 મેના રોજ ગુજરાત સહિત દેશભરના કેમિસ્ટોએ એક દિવસીય હડતાલનું એલાન કર્યું છે. ગુજરાતના અંદાજે 35 હજાર અને દેશભરના કુલ 12.5 લાખ જેટલા કેમિસ્ટો આ હડતાલમાં જોડાશે. હડતાલમાં રિટેલર્સ ઉપરાંત હોલસેલર અને ડીલરો પણ ભાગ લેશે. ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના જણાવ્યા મુજબ ઓનલાઈન ફાર્મસી કંપનીઓ નિયમોનું ઉલ્લંઘન કરીને દવાઓનું વેચાણ કરી રહી છે, જેના કારણે નાના કેમિસ્ટોના વેપાર પર ગંભીર અસર પડી રહી છે. એસોસિએશનનો આક્ષેપ છે કે, કેટલાક ઓનલાઈન પ્લેટફોર્મ પર અન્ય રાજ્યોના ડોક્ટરોના નામે પ્રિસ્ક્રિપ્શન બનાવી દર્દીઓને દવાઓ વેચવામાં આવી રહી છે. આ ઉપરાંત પ્રિસ્ક્રિપ્શન વગર જ સાયકોટ્રોપિક સબસ્ટન્સ જેવી સંવેદનશીલ દવાઓ પણ વેચાતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
ભાવનગર-બોટાદમાં 1200થી વધુ કેમિસ્ટ્સો આજે બંધ પાળશે
દેશભરમાં દવાના હોલસેલ અને રીટેલ વેપારીઓ તેમજ જન આરોગ્યની સુરક્ષા માટે આગામી તા. 20 મે ના રોજ રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન અપાયું છે. જેમાં ભાવનગર બોટાદના 1200થી વધુ કેમિસ્ટ્સ જોડાશે અને પોતાનો ધંધો-રોજગાર બંધ રાખશે. ઓલ ઈન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનની આગેવાની હેઠળ આ બંધ પાળવામાં આવશે. ભાવનગર અને બોટાદ જિલ્લાના કેમિસ્ટ્સ રસ્તા પર ઉતરશે. અંદાજે 12,400થી વધુ કેમિસ્ટ્સ અને દવા વિતરકોના સંગઠન ઓલ ઈન્ડિયા ઓરિજિનલ ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ દ્વારા સરકારની જોહુકમી સામે આંદોલન છેડવામાં આવ્યું છે.
તથા ફાર્માસિસ્ટોની અનિવાર્યતાના મુદ્દાને નબળો પાડતી શરતો રદ કરવામાં આવે, ઈ-ફાર્મસી ઓનલાઈન પ્રથાને પાછી ખેંચવામાં આવે, કોર્પોરેટ્સ દ્વારા અપાતી ડિસ્કાઉન્ટની છૂટ સામે સમાન હકોની નીતિ અમલમાં મૂકવાની માંગણીઓ પર કોઈ ઠોસ નિર્ણય નહિ લેવાય તો આગામી દિવસોમાં સંગઠન દ્વારા અચોક્કસ મુદતના આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
બગસરા મેડિકલ એસોશિઅશન પણ બંધ પાળી આંદોલનમાં જોડાશે
દેશ વ્યાપી મેડિકલ સ્ટોરના આંદોલનમાં બગસરા પણ જોડાશે. બગસરા મેડિકલ એસોસિયેશન દ્વારા અપાયેલા એલાન મુજબ આગામી 20 તારીખ ના રોજ બંધ પાળી આંદોલનમાં જોડાશે. દેશભરમાં ઓનલાઈન દવાના વેચાણ અને ડુપ્લીકેટ દવાના વેચાણમાં કેમેસ્ટ્રી અને ડ્રગિસ્ટ તેમજ સૌરાષ્ટ્ર મેડિકલ એસોસિયેશન દ્વારા દર્દીઓના હિત માટે 6000 હજાર જેટલાં મેડિકલ સ્ટોર બંધ પાળી વિરોધ કરવામાં આવશે.આ આંદોલનમાં બગસરા મેડિકલ એસોસિયેશન પણ જોડાઈને વિરોધ વ્યક્ત કરશે.
ખંભાળિયામાં દવાના વિક્રેતાઓ દ્વારા બંધનું એલાન
ખંભાળિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા આ મુદ્દે જણાવ્યા મુજબ ડોક્ટરના યોગ્ય પ્રેસ્ક્રિપ્શન વગર વેંચાતી દવાઓ, દર્દીઓને ખોટી કે સમય મર્યાદા નજીકની અથવા શંકાસ્પદ દવાઓ મળવાની સંભાવના વચ્ચે દર્દીઓની સલામતી અને દવા નિયંત્રણ વ્યવસ્થાને જોખમાય તેવી પરિસ્થિતિ વચ્ચે સરકારના જીએસઆર 817 (ઈ) ને પાછું ખેંચી કડક અને સમાન નિયંત્રણની માંગ કરવામાં આવી છે. આટલું જ નહીં, કોર્પોરેટ અને ઓનલાઈન પ્લેટફોર્મ પર ડીપ ડિસ્કાઉન્ટના કારણે નાના અને મધ્યમ કેમિસ્ટનો વ્યવસાય ખોવાઈ જવા તેમજ સસ્તી કિંમતના નામે ગુણવત્તા અંગે ઉભી થતી શંકાઓ તેમજ ઓનલાઇન પ્લેટફોર્મ પર ડુપ્લીકેટ દવાઓના મોટાપાયે થઈ રહેલા વેચાણ સહિતના વિવિધ મુદ્દે અહીંના દવા વિક્રેતાઓ દ્વારા આવતીકાલે બુધવારે સામુહિક રીતે પોતાની દુકાનો બંધ રાખી, વિરોધ વ્યક્ત કરવામાં આવનાર છે. ખંભાળિયા વિસ્તારમાં દર્દીઓને બંધ દરમિયાન હાલાકી ન થાય તે હેતુથી અત્રે વિજય સિનેમા રોડ પર આવેલી તેલી નદીના પુલ પાસે શ્યામ મેડિકલ સ્ટોર ખાતે ઈમરજન્સી દવા પ્રાપ્ય બની રહેશે તેમ ખંભાળિયાના મેડિકલધારકોને એસોસિએશનના પ્રમુખ હિતેશભાઈ ગોકાણીએ જણાવ્યું છે.
કોડીનાર મેડીકલ એસો. બંધમાં જોડાશે
મેડિકલ બજારમાં ગેરકાયદેસર ઈ ફાર્મસી તથા ઓનલાઈન દવામાં ડિસ્કાઉન્ટના મામલે દર્દીઓના હિત અને જન આરોગ્યની સુરક્ષા માટે દેશભરના 12:30 લાખ મેડિકલ સ્ટોર આવતીકાલ તારીખ 20 ને બુધવારના રોજ બંધ રાખવા અપાયેલા એલાન ને પગલે કોડીનાર મેડિકલ એસોસિએશન દ્વારા તેમાં જોડાઈને સંપૂર્ણ બંધ પડશે તેવું કોડીનાર મેડિકલ એસોસિએશનની યાદીમાં જણાવાયું છે