પ્રમુખ તરીકે રંજનબેન પરવાડીયા, ઉપ પ્રમુખ યજ્ઞેશ શુક્લ અને કારોબારી ચેરમેન અશ્ર્વિનભાઈ મકવાણાની નિમણુંક : પ્રથમવાર બ્રહ્મસમાજ અને મોચી સમાજને મહત્વના હોદ્દા
બાબરા શહેર નગરપાલિકામાં આગામી અઢી વર્ષ માટે પ્રમુખ, ઉપ પ્રમુખ તેમજ કારોબારી સમિતિના ચેરમેન સહિતના મહત્વના હોદ્દેદારોની વરણી કરવામાં આવતા શહેરના રાજકીય માહોલમાં નવી ચહલપહલ જોવા મળી હતી. લાઠી પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સામાન્ય સભામાં પાલિકાના તમામ ચૂંટાયેલા સભ્યોની ઉપસ્થિતિમાં આ વરણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.
નગરપાલિકાના પ્રમુખ પદે સામાન્ય મહિલા બેઠક હોવાથી વોર્ડ નંબર-2 માંથી ચૂંટાઈ આવેલા કડવા પાટીદાર સમાજના રંજનબેન રમેશભાઈ પરવાડીયાની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી. જ્યારે વોર્ડ નંબર-1 માંથી બ્રહ્મસમાજના યજ્ઞેશ શુક્લને ઉપ પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. કારોબારી સમિતિના ચેરમેન તરીકે અશ્વિનભાઈ મકવાણાની વરણી કરવામાં આવી હતી.
આ ઉપરાંત વોર્ડ નંબર-4 માંથી કાઠી ક્ષત્રિય સમાજના શિવુભાઈ ખાદાને શાસક પક્ષના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જ્યારે વોર્ડ નંબર-3 માંથી મોચી સમાજના મનીષાબેન સરવૈયાને દંડક તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી.
જિલ્લા ભાજપ મહામંત્રી દ્વારા હોદેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવતા ઉપસ્થિત સભ્યો અને કાર્યકર્તાઓએ તાળીઓના ગડગડાટ સાથે નવા હોદેદારોને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
અત્રે નોંધનીય બાબત એ રહી કે બાબરા નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર ભાજપ દ્વારા બ્રહ્મસમાજ અને મોચી સમાજને મહત્વના હોદ્દાઓ પર સ્થાન આપવામાં આવ્યું છે. જેના કારણે વિવિધ સમાજોમાં ખુશીની લાગણી પ્રસરી હતી અને ભાજપ દ્વારા સામાજિક સમરસતાનો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે.