Jai Hind

વીરપુરમાં સુજલામ સુફલામ યોજનાના નામે કરોડોની ખનીજ ચોરીનું મસમોટું કૌભાંડ!

સ્થાનિક તંત્રની મિલીભગતની આશંકા: માત્ર પંચ રોજકામ કરી જવાબદારીમાંથી હાથ ઊંચા કરાયા!

પ્રાપ્ત વિગતો મુજબ યાત્રાધામ વીરપુર તેમજ આસપાસના કાગવડ, પીઠડીયા, સેલુકા, થોરાળા, મસિતાળા, ભંડારીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ખુલ્લેઆમ ખનીજ ચોરી ચાલી રહી હોવાની ગંભીર ફરિયાદો ઉઠી રહી છે. વીરપુર પંથકની નદીઓ, નાળાઓ, પર્વતો અને ટેકરાઓને બેફામ રીતે ખોદી કુદરતી સંપત્તિનો બેફામ નાશ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવ્યા છે.
સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ ખનીજ દલાલો દ્વારા ખાસ કરીને રાત્રિના સમયે ભારે મશીનરી અને વાહનો મારફતે ખનીજ ચોરી કરવામાં આવે છે. સુજલામ સુફલામ યોજનાના નામે કરોડો રૂપિયાની ખનીજ ચોરી થતી હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે. કુદરતી સંપત્તિની દલાલી કરતા કેટલાક શખ્સો ખુલ્લેઆમ દાદાગીરી કરતા હોવાની ચર્ચાઓ વચ્ચે સ્થાનિક તંત્રની ભૂમિકા સામે પણ સવાલો ઊભા થયા છે.
લોકોમાં એવી પણ ચર્ચા છે કે ખાણ-ખનીજ વિભાગ ઘોર નિંદ્રામાં છે કે પછી મલાઈમાં રસ ધરાવે છે? કારણ કે અનેક રજૂઆતો અને ફરિયાદો છતાં કોઈ કડક કાર્યવાહી થતી દેખાતી નથી. જાગૃત નાગરિકો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલય (ઈખઘ)માં ઓનલાઈન ફરિયાદ પણ કરવામાં આવી છે અને ખનીજ ચોરીમાં સંડોવાયેલા દલાલો તથા ખનીજચોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા સુરેન્દ્રનગર અને માળીયા પંથકમાં રેન્જ આઈજીની સ્પેશિયલ ટીમ દ્વારા દરોડા પાડી કરોડો રૂપિયાની ખનીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી. તેવી જ રીતે જો રેન્જ આઈજીની વિશેષ ટીમ વીરપુર પંથકમાં પણ તટસ્થ તપાસ અને દરોડાની કાર્યવાહી કરે તો મોટા પાયે ચાલી રહેલી ખનીજ ચોરી બહાર આવે તેવી લોકચર્ચા છે.હાલ સમગ્ર મામલે ખેડૂતો તેમજ જાગૃત નાગરિકો અને પર્યાવરણપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને કુદરતી સંપત્તિને બચાવવા તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
ખાસ કરીને વીરપુર, કાગવડ, મસિતાળા અને ભંડારીયા વિસ્તારનો વીડી વિસ્તાર સરકાર દ્વારા લાયન ટેરિટરી તરીકે જાહેર કરાયો છે, જ્યાં સિંહોનો વસવાટ હોવાનું પણ જાણવા મળે છે. તેમ છતાં આ વિસ્તારમાં બેફામ ખનીજ ચોરી થતી હોવાના આક્ષેપો વચ્ચે વન વિભાગના અધિકારીઓની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે વન વિભાગ આંખ આડા કાન કરી રહ્યો છે.
બીજી તરફ સ્થાનિક તલાટી કમ મંત્રી અને ટીડીઓ દ્વારા માત્ર પંચ રોજકામ કરીને પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરવામાં આવ્યા હોવાના આક્ષેપો પણ થયા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ જો વાસ્તવિક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાના ખનીજ કૌભાંડનો પર્દાફાશ થઈ શકે છે.