Jai Hind

ધારીમાં હિટ એન્ડ રન: વોકીંગમાં નીકળેલા નિવૃત મામલતદારને વાહને ઠોકરે લેતા મોત

ફરાર વાહન ચાલકને પોલીસે પકડી પાડયો

ધારીના અમરેલી રોડ પર ગઈકાલે વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળેલા એક નિવૃત મામલતદારને કેરી ભરેલા એક વાહને હડફેટે લેતા નિવૃત મામલતદારનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો, જો કે ધારી પોલીસે આસપાસના સી.સી.ટી.વી. ફૂટેજના આધારે તપાસ હાથ ધરી અમરેલીના વાહન ચાલક સલીમ મોગલને ઝડપી પાડ્યો છે. અકસ્માતના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
ધારી શહેરના અમરેલી રોડ પર ગઈકાલે વહેલી સવારે એક ગંભીર હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. રોજની જેમ મોર્નિંગ વોક માટે નીકળેલા નિવૃત મામલતદાર મોહનભાઈ કોરાટ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે પાછળથી આવી રહેલા કેરી ભરેલા વાહને તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે મોહનભાઈ કોરાટનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં ધારી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માત સ્થળ તેમજ આસપાસના વિસ્તારોના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસતા અકસ્માતની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું હતું. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસનો દોર આગળ વધારી અમરેલીના વાહન ચાલક સલીમ મોગલને ઝડપી પાડી વધુ પૂછપરછ શરૂ કરી છે. બીજી તરફ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં ભારે ચર્ચા જાગી છે. હિટ એન્ડ રનની આ ઘટનાને લઈને ધારી પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.