વીજચોરી કરનારાઓને રૂપિયા 9 લાખનો દંડ ફટકાર્યો
સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરી કરનારાઓ પર તંત્રએ તવાઈ બોલાવવાનું શરૂ કર્યુ છે. જામનગર, સુરેન્દ્રનગર, દ્વારકા, ખંભાળિયા સહિતના પંથકમાં વીજચોરી ઝડપી લેવા મોટાપાયે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. સલાયામાં ગુરૂવારે વીજ ટૂકડી દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગેરકાયદે 25 વીજ જોડાણ સામે આવતા તંત્રએ વીજ જોડાણ કાપી વીજચોરોને રૂપિયા નવ લાખનો દંડ ફટકાર્યો હતો. તંત્રની કાર્યવાહીથી વીજચોરોમાં ફફડાટ ફેલાયો છે.
સલાયામાં મરીન પોલીસ અને પીજીવીસીએલ ખંભાળિયા દ્વારા ગુરૂવારે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એસપી જયરાજસિંહ વાળાની સૂચના મુજબ પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ચેકિંગ દરમિયાન 25 ગેરકાયદે વીજજોડાણ ઝડપી પાડવામાં આવ્યા હતા. વીજચોરી કરનારાઓને કુલ 9 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કાર્યવાહીને કારણે સલાયા વિસ્તારમાં વીજચોરી કરનારાઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. કેટલાક લોકો પોતાના ઘરને તાળા લગાવીને નાસી છૂટ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. પીજીવીસીએલ અને પોલીસ દ્વારા ભવિષ્યમાં પણ આવા સામૂહિક ચેકિંગ ચાલુ રાખવામાં આવશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સલાયા વિસ્તારમાંથી વીજચોરીને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો છે. આ કામગીરીમાં સલાયા મરીન પોલીસના ઇન્ચાર્જ પીઆઇ જે.એમ. ચાવડા, સ્ટાફના ઓમદેવસિંહ જાડેજા અને અન્ય સ્ટાફ જોડાયા હતા. પીજીવીસીએલ તરફથી સર્કલ ઓફિસર નકુમ અને તેમનો સ્ટાફ પણ આ અભિયાનમાં સામેલ હતો.