Jai Hind

મંત્રી પરષોત્તમભાઈ સોલંકીનો જન્મદિવસ વડાપ્રધાનના આહવાનને અનુસરી સાદગી, સેવા અને સમાજહિતના સંકલ્પે ઉજવાશે


રાજ્યભરમાં 101 સ્થળોએ સેવાકીય અને સામાજિક કાર્યક્રમો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ઇંધણ બચત, પર્યાવરણ સંરક્ષણ અને સાદગીપૂર્ણ જીવનશૈલીના આહવાનને આત્મસાત કરીને રાજ્ય મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ પોતાના જન્મદિવસ નિમિત્તે યોજાનાર કોળી સમાજનું વિશાળ પંચામૂર્ત સામાજિક સંમેલનને ભવ્યતા અને તામજામથી દૂર રાખી સાદગીપૂર્ણ રીતે ઉજવવાનો મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી નિર્ણય લીધો છે.
તા. 23 મે ના રોજ ઉજવાનારા મંત્રી પરષોત્તમભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે અગાઉ વિશાળ સામાજિક સંમેલન યોજાવાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ વડાપ્રધાનશ્રીના રાષ્ટ્રહિતના સંદેશને ધ્યાનમાં રાખીને મંત્રીએ ઉજવણીમાં સાદાઈ, સેવા અને સમાજહિતને પ્રાથમિકતા આપવાનો નિર્ણય કર્યો છે. તેમના આ નિર્ણયને સમાજના વિવિધ વર્ગોમાંથી વ્યાપક આવકાર મળી રહ્યો છે.
રાજ્ય મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે ભાવનગર જિલ્લા સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અંદાજે 101 સ્થળોએ વિવિધ સેવાકીય અને લોકહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમોમાં મેડિકલ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને ફળ વિતરણ, આંગણવાડીના બાળકોને પૌષ્ટિક ભોજન, વૃક્ષારોપણ, વૃદ્ધાશ્રમ તથા મંદબુદ્ધિ આશ્રમોમાં જમણવાર, ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને છાશ વિતરણ તેમજ મંદિરોમાં પૂજા-આરતી અને હનુમાન ચાલીસા પાઠ જેવા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનો સમાવેશ થાય છે.