Jai Hind

ખેડુતોને તાત્કાલીક ડીઝલ-ખાતર મળે તેવી વ્યવસ્થા કરો: અમરેલી જિલ્લા, કિસાન સંઘની કલેકટરને રજુઆત

ખેડુતો કેરબા લઇને પેટ્રોલ પંપ પર ભટકી રહ્યા છે ત્યારે….
જો તાત્કાલીક ડીઝલની વ્યવસ્થા નહીં થાય તો ખેતી મૃત:પાય થઇ જશે, ખેડુત ખેતી છોડવા મજબુર બનશે

અમરેલી જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા અમરેલીના કલેકટરને એક પત્ર પાઠવી માંગ કરેલ છે કે, હાલ ચોમાસુ નજીક હોય ત્યારે ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં ખેતીનું કામ ચાલતું હોય છે. હાલના સંજોગો પ્રમાણે તમામ ખેતીનું કામ માત્ર ટ્રેકટર તેમજ સનેડાથી થતું હોય છે. ત્યારે ડીઝલની વૈશ્વિક તંગી ઉભી થયેલ હોય ખેડૂતોને ખેતી કરવા માટે ડીઝલની ખૂબ જ જરૂર હોય છે. યાંત્રિક સાધન સિવાય ખેતી થઈ શકે તેમ ના હોય ત્યારે ખેડૂતો ડીઝલ માટે 10 થી 20 લિટરના કેરબા લઈ દરેક પેટ્રોલ પંપ ઉપર ભટકી રહ્યા છે
અત્યારે આખર સમયમાં ખેડૂત ખેતી ન કરે તો આખું વર્ષ બરબાદ થાય છે. અગાઉના સરકારના પરિપત્ર મુજબ 7/12 લઈને જઈ તો ખેડૂતોને 200 લીટર ડીઝલ આપવા જણાવેલ હોવા છતાં ક્યાંય ખેડૂતને 20 લિટર પણ ડીઝલ મળતું નથી. આખો દિવસ ખેડૂત ટ્રેક્ટર લઈ ખેતી કરે તો તેમને 30 થી 40 લિટર ડીઝલની જરૂરીયાત પડે છે. ત્યારે ખેડૂત પોતાનું ટ્રેક્ટર લઈ અને પેટ્રોલ પંપ ઉપર ડીઝલ લેવા જવામાં જ અડધું ડીઝલ ખલાસ થઈ જાય છે. આ ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોની હાલત ખૂબ જ દયનીય થઈ ગઈ છે. તો તાત્કાલિક ધોરણે ખેડૂતોને દર પાંચ દિવસે 100 લીટર ડીઝલ મળે તેવું યોગ્ય વ્યવસ્થા કરવા પત્રનાં અંતમાં માંગ કરેલ છે. અમરેલી જિલ્લાના દરેક પેટ્રોલ પંપને 8 થી 10 દિવસે એક ટેન્કર ડીઝલ ફાળવવા આવે છે. પરંતુ ડીઝલ તુરંત ખલાસ થઈ જાય છે.
આ ઉપરાંત ખેડૂતોને દર વર્ષે રાસાયણિક ખાતર પણ સિઝનમાં મળતું નથી. હાલ એક પણ ખાતર ડેપો ઉપર ડી.એ.પી. ખાતર 12-32-16 યુરિયા તેમજ અન્ય પાયાના ખાતરની અછત ઊભી થાય છે. હાલ ખાતર માટે લાંબી લાઈનો લાગે છે. તો પણ ખેડૂતોને જોઈએ તે ખાતર મળતું નથી. જો સરકાર ડીઝલ તેમજ ખાતર ખેડૂતોને તાત્કાલિક મળે તેવી વ્યવસ્થા નહીં ગોઠવે તો ખેતી મૃતપાઈ થઈ જશે. તેમ જ દેશમાં ભૂખમરો આવશે. તેમજ ખેડૂત ખેતી છોડી દેવા મજબુર બનશે.
આ તમામ પ્રશ્ન ખૂબ જ ગંભીરતાથી ધ્યાને નહીં લેવામાં આવે તો દેશને ખૂબ જ ગંભીર પરિણામ ભોગવવાનો વખત આવશે. દેશના ખેડૂત બે હાલ થઈ જશે. ખાતરના અસહ્ય ભાવ વધારો જીકાયો છે. તે પણ પરત ખેંચવામાં આવે. હાલમાં બજારમાં બિલ વગરનું ડુપ્લીકેટ કપાસ તેમજ અન્ય બિયારણનું પણ ધૂમ વેચાણ થઈ રહ્યું છે. ખેડૂત છેતરાઈ રહ્યો છે. એક બાજુ સરકાર નકલી દવા બિયારણ ખાતર ઉપર કડક સજાની જોગવાઈની અને ચમરબંધીને પણ છોડશું નહીં તેમ કહે છે. અને બજારમાં નકલી ખાતર બિયારણ દવાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. તે તપાસ કરી કડક અમલવારી કરવા પણ પત્રનાં અંતમાં જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા માંગ કરી છે.