હલકી ગુણવતાનું કામ થતું હોવાનો આક્ષેપ
વિસાવદર તાલુકાના ખજૂરીયાની સીમમાં પોપટડી નદી પર બની રહેલો નવો પુલ હાલ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે વિવાદમાં સપડાયો છે. આ પુલ આસપાસના 1000થી વધુ ખેડૂતો માટે રોજીંદા અવરજવરનો મુખ્ય અને એકમાત્ર રસ્તો છે, પરંતુ તંત્રની મીલીભગતને કારણે આ મહત્વના પ્રોજેક્ટમાં મોટા પાયે ગેરરીતિઓ આચરવામાં આવી રહી હોવાનું બહાર આવ્યું છે.સ્થાનિક ખેડૂતોના આક્ષેપ મુજબ, ટેન્ડર પ્રક્રિયામાં સૂચવવામાં આવેલા સરકારી ધારા-ધોરણોને સંપૂર્ણપણે નેવે મૂકીને અત્યંત હલકી ગુણવત્તાનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. પુલના નિર્માણમાં વપરાતી સામગ્રીની નબળી ગુણવત્તા સ્પષ્ટ દેખાઈ આવે છે, જે ભવિષ્યમાં મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે. આ મામલે સ્થાનિક ખેડૂતો અને જાગૃત નાગરિકોએ કામ સાઈટ પર જઈને વિરોધ નોંધાવતા કોન્ટ્રાક્ટર અને લાગતા-વળગતા લોકો સાથે તીખી તકરાર પણ થઈ હતી. લોકોના ભારે વિરોધને પગલે હાલમાં કામગીરી અટકાવી દેવામાં આવી છે. જૂનાગઢ કચેરીઓ દ્વારા આ બાબતે તપાસના આદેશો આપવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે, પરંતુ ભ્રષ્ટાચારની આ આશંકાઓ વચ્ચે સ્થાનિક નેતાગીરીની શંકાસ્પદ ચૂપકીદી અનેક સવાલો ઉભા કરે છે. ખજૂરીયાની સીમના ખેડૂતોમાં આ સમગ્ર ઘટનાને લઈને વ્યાપક રોષની લાગણી ફેલાયેલી છે. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો આ પુલના કામમાં થયેલા ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ કરવામાં નહીં આવે અને જવાબદારો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. ખેડૂતોના જીવના જોખમે થઈ રહેલા આ ભ્રષ્ટાચાર સામે તંત્ર તાત્કાલિક પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.