Jai Hind

ગઢડા (સ્વામીના) ઘેલો નદી સફાઈ અભિયાન શરૂ કરાયું

ગઢડા(સ્વામીના) શહેરના મધ્ય વિસ્તારમાંથી પસાર થતી અને યાત્રાળુઓ માટે ઉન્મત ગંગા સ્વરૂપ પ્રાસાદિક સ્થાન માનતા ઘેલો નદીમાં વર્ષોથી ગંદકી અને ગાંડી વેલના ઝુંડ થવા ઉપરાંત ચોમાસુ કાંપના કારણે નદીનું પૂરણ થઈ જવાથી પાણી સંગ્રહની ક્ષમતા ઓછી થઈ જવાના કારણે પ્રાકૃતિક રૂપે નદી શુધ્ધિકરણ કામ જરૂરી બન્યું હતું.
આ માટે નગરપાલિકા દ્વારા પવિત્ર ઘેલો નદીના સફાઈ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંદાજે રૂપિયા વીસ લાખના ખર્ચે પંદરમી નાણા પંચની ગ્રાન્ટમાંથી હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનનો પ્રારંભ જિલ્લા ખરીદ વેચાણ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી, નગરપાલિકા પ્રમુખ કિશોરભાઈ ખાચર, ચેરમેન સુરેશભાઈ ડવ, ચીફ ઓફિસર ડી. જી. પ્રજાપતિ સાથે અ.પૂ. મંદિરના કોઠારી અધ્યાત્મસ્વરૂપ સ્વામી દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અન્ય આગેવાનો અને ભાજપના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કામની શરૂઆતમાં શરૂઆત શ્રીફળ વધેરીને જેસીબી દ્વારા અભિયાન પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઉન્મત ગંગા તરીકે જાણીતી ઘેલો નદી છેલ્લા કેટલાક સમયથી દૂષિત થઈ ગઈ હતી. આ સફાઈ અભિયાન પર્યાવરણને બચાવવાના પ્રયાસ સાથે ધાર્મિક અને સામાજિક મહત્વ પણ ધરાવે છે. આ દરમીયાન ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે નદીની સફાઈ પૂર્ણ થયા બાદ અંદાજે રૂપિયા 6 કરોડ ખર્ચે રીવરફ્રન્ટ વિકાસ કામ પણ હાથ ધરવામાં આવશે.