એસઓજીની ટીમે ડીઝલ મળી રૂા.1.34 લાખનો મુદામાલ કબજે કર્યો
મીડલ ઇસ્ટમાં યુધ્ધના કારણે ભારતમાં પેટ્રોલ-ડીઝલની તંગી શરૂ થઇ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ અનેક સ્થળોએ પેટ્રોલ પંપ ડીઝલ લેવા માખે લાંબી લાઇનો લાગી છે. ત્યારે ડીઝલનો ગેરકાયદે સંગ્રહ કરનારાઓ પર તંત્રએ લાલ આંખ કરી છે. ભાણવડના ઢેબર ગામે રીક્ષામાંથી 900 લીટર ડીઝલના જથ્થા સાથે ચાલકને ઝડપી એસઓજીની ટીમે રૂા.1.34 લાખનો મુદામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પી.આઈ. વી.એ. રાણા તેમજ તેમની ટીમ દ્વારા શનિવારે ભાણવડ વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ ચિરાગસિંહ જાડેજા, ભરતભાઈ બેડીયાવદરા અને નિતેશભાઈ સાદીયાને મળેલી બાતમીના આધારે ખંભાળિયા તરફથી આવી રહેલા જી.જે. 13 એ.ટી. 3,908 નંબરના એક છકડા રીક્ષાના ચાલકને રાણપરડા ગામના પાટિયા પાસે અટકાવી ચેકિંગ કરતા આ રીક્ષાના ચાલક એવા ભાણવડ તાલુકાના ઢેબર ગામના આમદ જુમા ઇબ્રાહીમ હીંગોરા (ઉ.વ. 39) પાસે તેના છકડા રિક્ષામાં રહેલા આ જવલન પ્રવાહી અંગે કોઈ આધાર પુરાવા ન હતા.
સંભવિત રીતે આ બાયોડીઝલ ઇંધણનો ગેરકાયદેસર જથ્થો હોવાનું જણાતા પોલીસે ચાર બેરલ તથા ત્રણ પ્લાસ્ટિકના કેરબામાં લઈ જવાતો 900 લીટર ડીઝલનો આ જથ્થો કબજે કરી, આ પ્રકરણમાં રીક્ષા ચાલક આમદ હીંગોરાની પૂછપરછ સાથે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પ્રકરણમાં પોલીસે રૂપિયા 79,200 ની કિંમતનો 900 લીટર ડીઝલનો જથ્થો તેમજ રૂપિયા 55,000 ની કિંમતનો છકડા રીક્ષા મળી કુલ રૂપિયા 134,200 નો મુદ્દામાલ કબજે કરી, આગળની કાર્યવાહી કરી હતી.
આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. વી.એ. રાણા, પી.એસ.આઈ. ડી.એ. વાળા તેમજ સ્ટાફના ભીખાભાઈ ગાગીયા, હરદેવસિંહ જાડેજા, ચિરાગસિંહ જાડેજા, ભરતભાઈ બેડીયાવદરા, પૃથ્વીરાજસિંહ વાઘેલા, કિશોરસિંહ જાડેજા, નિર્મલભાઈ આંબલીયા, નિતેશભાઈ સાદીયા, કૃષ્ણરાજસિંહ જાડેજા અને સંજયભાઈ વારોતરીયા દ્વારા કરવામાં આવી હતી.