Jai Hind

સૌરાષ્ટ્ર-કચ્છમાં સતત બીજા દિવસે વાદળિયુ વાતાવરણ : પારો ત્રણ ડિગ્રી સુધી ગગડ્યો

41.8 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌરાષ્ટ્રનું સૌથી ગરમ શહેર બન્યું : વંટોળિયા જેવા પવન ફુંકાતા લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળી : 29મીથી ઠેર ઠેર હળવાથી ભારે ઝાપટાની અંબાલાલ પટેલની આગાહી

રાજ્યમાં શનિવારથી પ્રિ-મોન્સુન એક્ટિવીટીનો પ્રારંભ થયો છે. વાદળિયા વાતાવરણના પગલે લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળી છે. તાપમાનના પારામાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો પણ જોવા મળ્યો છે. 42.2 ડિગ્રી સાથે રાજ્યમાં અમદાવાદ સૌથી ગરમ શહેર બન્યું હતું. જ્યારે 41.8 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌરાષ્ટ્રનું સૌથી ગરમ બન્યુ ંહતું. રાજકોટમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રવિવારે રાજ્યમાં આઠ શહેરમાં પારો 40 ડિગ્રીને પાર થયો છે. તા. 29મીથી રાજ્યના અનેક વિસ્તારમાં હળવાથી ભારે ઝાપટાથી અંબાલાલ પટેલે આગાહી કરી છે.
રાજ્યમાં સતત પડતી કાળઝાળ ગરમીના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું.ત્યારે શનિવારથી પ્રિ-મોન્સુન એક્ટિવીટીનો પ્રારંભ થતાં રાજ્યમાં વાદળિયું વાતાવરણ જોવા મળ્યું છે. ધ્રાબળિયા વાતાવરણ અને વંટોળ જેવા પવનો ફુંકાતા લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી હતી.
રવિવારે રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવીટીની અસર જોવા મળી હતી. સૌરાષ્ટ્ર-કચ્છના આકાશમાં વાદળા જોવા મળતા લોકોએ બફારાનો અહેસાસ કર્યો હતો. રાજ્યમાં 43.3 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે 41.8 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌરાષ્ટ્રનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં બહુ જલ્દી પ્રિ-મોન્સુન એક્ટિવીટીની શરૂઆત થશે. 29મીથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાંપટા વરસશે તા. 8 જૂન પછી સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ, ભાવનગરમાં ગાજવીજ સાથે જ્યારે 7 જૂન સુધીમાં સાબરકાંઠા, પંચમહાલ, અમદાવાદ, વડોદરા, દાહોદ, આણંદમાં પણ વરસાદ વરસશે. તા. 25 મેથી જૂનની શરૂઆતમાં ચોમાસુ કેરળ પહોંચશે.
ભાવનગર શહેરમાં સતત બીજા દિવસે વાદળીયા વાતાવરણ વચ્ચે ગરમી અને બફારાનું પ્રમાણ વધતા લોકો અકળાઈ ઉઠ્યા હતા. દિવસભર ઉકળાટભર્યા વાતાવરણના કારણે લોકો તોબા પોકારી ગયા હતા. વાદળછાયા માહોલ વચ્ચે પણ ગરમીમાં ઘટાડો ન નોંધાતા જનજીવન પર અસર જોવા મળી હતી. હવામાન વિભાગના આંકડા મુજબ રવિવારે શહેરનું મહત્તમ તાપમાન 41.9 ડિગ્રી સુધી પહોંચ્યું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 29.3 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 42 ટકા રહેતા બફારાનો અનુભવ વધુ થયો હતો. સાથે જ પવનની ઝડપ પ્રતિ કલાક 14 કિલોમીટર નોંધાઈ હતી. ગરમી અને બફારાના કારણે બપોરના સમયે રસ્તાઓ પર અવરજવર ઓછી જોવા મળી હતી. લોકો ઠંડા પીણાં, છાશ અને આઈસ્ક્રીમ તરફ વધુ વળ્યા હતા. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ગરમી અને વાદળીયા વાતાવરણ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.