પોલીસ માત્ર સાદા કાગળ પર અરજી લેવાની જ કાર્યવાહી કરતી હોવાથી લોકો ફરિયાદ કરવાનું ટાળે છે
તાલુકા મથક ઉમરાળામાં તા.12 થી 20 મે દરમિયાન રાત્રીના સમયે પાંચથી વધુ ઘરોનાં તાળાં તૂટવાના બનાવથી લોકોમાં દહેશત ફેલાઈ છે. અંદાજે ચાર લાખથી વધુ મત્તાની તસ્કરી થયાનું જાણવા મળે છે. ઉમરાળા પોલીસ મથકને તસ્કરો જાણેકે પડકાર ફેંકતા હોય તેમ તા.12 મેની રાત્રે જે ઘરોનાં તાળાં તૂટ્યાં તેમાંથી ત્રણ ઘર તો અત્રે સ્ટેટ હાઈવે પર આવેલ પોલીસ સ્ટેશનની નજીક જ છે.આ પડકાર પછી પણ પોલીસ સતર્ક ન થતાં તસ્કરોએ વધુ ઘરોમાં તસ્કરી કરવાનું સાહસ કર્યાનું જણાય છે.
ઉમરાળાના જે પરિવારો બહારગામ વસે છે તેમના અને વેકેશન હોવાથી જે પરિવારો ઘરને તાળાં મારી બહારગામ ફરવા ગયા હોય તેમાંથી ઉપરોક્ત પાંચ રેઢા ઘરોમાં તસ્કરો, જે તે ઘરનાં રસ્તા પર પડતા પ્રવેશ દ્વારના તાળા જેમનાતેમ રહેવા દઈ,કોઈ યુક્તિ અજમાવી બંધ ઘરોમાં પ્રવેશીને અંદરના રૂમ્સનાં તાળાં કે દરવાજાના નકુચા કાપી તથા લોખંડના કબાટ વગેરે તોડી અંદરથી સોના-ચાંદીના ઘરેણાં,રોકડ વગેરે મત્તાની ચોરી કરી ગયા હતા.રસ્તા પરના દરવાજાનાં તાળાં યથાવત હોવાથી જે તે માર્ગ પર અવરજવર કરતા લોકોને દિવસ દરમિયાન ખ્યાલ પણ ન આવે કે બંધ ઘરમાં ચોરી થઈ છે. ઘરધણી બહારગામથી આવીને ઘર ખોલી અંદર જાય ત્યારે જ જાણ થાય કે અંદર કાંઈક અજુગતું બન્યું છે.તા.12 મે આસપાસ કોઈ એક જ રાતમાં હાઈવે પર ચોરીની ઘટના ઘટ્યાની જે તે પરિવાર બહારગામથી પરત આવ્યા બાદ ખબર પડતાં નજીક રહેલ પોલીસ સ્ટેશનને જાણ કરી પછી અસરગ્રસ્તની ફરિયાદ નોધવાના બદલે માત્ર કાગળ પર અરજી લીધી હતી.બનાવને ગંભીરતાથી ન લેતા તસ્કરોની હિંમત વધી હોય તેમ તા.19 કે 20 મેની રાતે તાલુકા મથકની મુખ્ય બજારને અડીને આવેલ એક શેરીના મુખ્ય રોડ ટચ નાકા પરના બે બંધ ઘરોમાં બહાનાં તાળાંને યથાવત રહેવા દઈ અન્ય કોઈ યુક્તિથી ઘરમાં ઘુસી અંદરનાં તાળાં,કબાટ વગેરે તોડી સોના-ચાંદી અને રોકડ સહિત મોટી રકમ ઉઠાવી ગયા હતા.અમદાવાદ ગયેલ પરિવારે પરત આવી શેરી પરના પ્રવેશ દ્વારનું તાળું ખોલી અંદર પ્રવેશ કર્યો ત્યારે ઘરમાં ચોરી થયાની જાણ થઈ હતી.એ પરિવારના મોભીએ બાજુના બંધ ઘરમાં તપાસ કરતા તેમાં પણ ચોરી થયાનું માલુમ પડ્યું અને ભાવનગર વસતા એ ઘરના પરિવારને ફોન દ્વારા જાણ કરી.એ પરિવારે અત્રે પહોંચી ઘર ખોલતાં તસ્કરી થયાની ખબર પડી. આ અંગે પોલીસને જાણ કરતાં અગાઉના બનાવની જેમ એક હેડ કોન્સ્ટેબલે સ્થળ પર આવીને નિરીક્ષણ કર્યું.બંને પરિવારની રજુઆત સાંભળી અને બંનેની સાદા કાગળ પર અરજી લીધી...
ઉપરોક્ત બનાવો ઉપરાંત અત્રે બે પછાત વિસ્તારોનાં કેટલાક ઘરોમાં પણ ચોરી થયાનું, પણ પોલીસ દ્વારા માત્ર અરજી લેવા પુરતી કાર્યવાહી થતી હોવાથી ફરિયાદ કરવાનું માંડી વાળ્યાનું જાણવા મળે છે. અત્રે બનેલ ચોરીના ઉપરોક્ત બધા બનાવોમાં તસ્કરોએ એક સરખી પદ્ધતિ અપનાવ્યાનું જણાય છે.અને ઉમરાળા પોલીસે પણ અસરગ્રસ્તોની નિયમ મુજબ ફરિયાદ નોંધવાના બદલે માત્ર કાગળ પર અરજી લેવાનું વલણ જાળવી રાખ્યુંહતું...!!!
ઉલ્લેખનીય છે કે ઉમરાળામાં અગાઉ રાત્રીના સમયે પોલીસ રોનની વ્યવસ્થા હતી.પોલીસ સ્ટાફમાં કાપ આવતા આ વ્યવસ્થા બંધ થઈ. પછી હોમગાર્ડ્ઝના પહેરાની વ્યવસ્થા આવી તે પણ હાલ બંધ છે.આથી તસ્કરોને મોકળું મેદાન મળવા જેવુ થયું છે.