Jai Hind

અમરેલી જિલ્લામાં 11 પૈકી એક માત્ર લીલીયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન

નવ નિયુકત પ્રમુખ, ઉપપ્રમુખ સહિત અન્ય હોદ્દેદારોની વરણી: પ્રાણ પ્રશ્ર્નો ઉકેલવાની ખાતરી આપી

અમરેલી જિલ્લામાં તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખોની વરણી પ્રક્રિયા પૂર્ણ થતાં જિલ્લામાં રાજકીય ચિત્ર સ્પષ્ટ બન્યું છે. જિલ્લામાં કુલ 11 તાલુકા પંચાયતોમાંથી 10 તાલુકા પંચાયતો પર ભાજપે સત્તા સ્થાપિત કરી છે, જ્યારે એક માત્ર લીલીયા તાલુકા પંચાયત કોંગ્રેસના કબ્જામાં રહેતાં જિલ્લામાં રાજકીય ચર્ચાનો માહોલ ગરમાયો છે.
લીલીયા તાલુકો લાંબા સમયથી કોંગ્રેસનો મજબૂત ગઢ માનવામાં આવે છે. પૂર્વ ધારાસભ્ય ખોડીદાસભાઈ ઠક્કરના સમયથી લીલીયા વિસ્તારમાં કોંગ્રેસનું પ્રભુત્વ યથાવત રહ્યું છે. અને આ વખતે પણ કોંગ્રેસે તાલુકા પંચાયત પર કબજો જાળવી રાખતા કાર્યકરોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. લીલીયા તાલુકા પંચાયતના પ્રમુખ પદે જગદીશ દેથલીયાની વરણી કરવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખ પદે વિજય કોગથીયાની વરણી કરવામાં આવી હતી. આ વરણી બાદ કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો અને આગેવાનો દ્વારા એકબીજાને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમજ કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.નવનિયુક્ત હોદેદારોએ જણાવ્યું હતું કે લીલીયા તાલુકાના પ્રાણપ્રશ્નો, ગ્રામ્ય વિસ્તારોમાં પાણી, રસ્તા, આરોગ્ય અને ખેડૂતોને લગતા પ્રશ્નોને પ્રાથમિકતા આપવામાં આવશે. તાલુકાના વિકાસ માટે તમામ સભ્યોને સાથે રાખીને કામગીરી કરવામાં આવશે તેવી ખાત્રી પણ આપવામાં આવી હતી. જિલ્લાની 11 તાલુકા પંચાયતોમાં ભાજપે બહુમતી સાથે 10 તાલુકા પંચાયતો પર સત્તા હાંસલ કરી છે, ત્યારે લીલીયા તાલુકા પંચાયત કોંગ્રેસના હાથમાં જતાં આ પરિણામ રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.