રાણીબેન અને રિક્ષાચાલક રમેશભાઈ ગંભીર; પૌત્રી માન્યતાને સામાન્ય ઈજા, 108 મારફતે ઉના હોસ્પિટલે ખસેડાયા: કેસરિયા-દીવ રોડ અકસ્માત ઝોન બન્યો, સ્પીડ બ્રેકરની માંગ છતાં તંત્રનું મૌન
ઉના તાલુકાના સોનેરી ગામ નજીક ગમખ્વારઅકસ્માત સર્જાયો હતો. કચરો એકત્ર કરવાનું કામ કરતા છકડો રિક્ષાચાલકે અચાનક રસ્તા વચ્ચે કૂતરું આડું પડી જતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. આ ઘટનામાં રિક્ષાચાલક સહિત ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી છે, જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ, 30 વર્ષીય રિક્ષાચાલક રમેશ હરસુખભાઈ પોતાની છકડો રિક્ષામાં સોનેરી ગામના રાણીબેન ચૌહાણ અને તેમની પૌત્રી માન્યતાબેન સોલંકી ને બેસાડીને જઈ રહ્યા હતા. સોનેરી અને કેસરિયા વચ્ચેના માર્ગ પર અચાનક એક શ્વાન દોડીને રિક્ષાની સામે આવી ગયું. તેને બચાવવા જતાં રમેશ ભાઈએ રિક્ષા પરથી નિયંત્રણ ગુમાવ્યું અને જોતજોતા માં રિક્ષા રોડ પર પલટી ખાઈ ગઈ હતી
આ ભયાવહ અકસ્માતમાં રાણીબેન રિક્ષામાંથી ફંગોળાઈ જતાં તેમને મોઢાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે રિક્ષાચાલક રમેશભાઈને કમરના ભાગે ગંભીર માર વાગ્યો છે. સદનસીબે પૌત્રી માન્યતાબેનને સામાન્ય ઈજા ઓ થવા પામી છે. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ઉના ની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ પ્રાથમિક સારવાર આપી હતી. રાણીબેન અને રિક્ષાચાલક રમેશભાઈની ઈજાઓ ની ગંભીરતા જોતાં બંનેને વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.
ગ્રામજનોનો આક્રોશ કેસરિયા-દીવ રોડ મોતનો રોડ બન્યો
ઉલ્લેખનીય છે કે કેસરિયા અને દીવને જોડતો આ માર્ગ અકસ્માત ઝોન તરીકે કુખ્યાત બનતો જાય છે. આમાર્ગ પર વારંવાર નાના-મોટા અકસ્માતોની ઘટનાઓ બનતી રહે છે. સ્થાનિક ગ્રામજનો છેલ્લા ઘણા સમયથી આ માર્ગ પર સ્પીડ બ્રેકર મુકવાની માંગ કરી રહ્યા છે, જેથી વાહનોની બેફામ ઝડપ પર અંકુશ આવી શકે. જોકે, તંત્ર દ્વારા આ ગંભીર બાબતે કોઈ નક્કર કાર્યવાહી ન થતી હોવાનો ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. આ ઘટનાએ ફરી એકવાર ગ્રામ્ય માર્ગોની સલામતી અને રસ્તે રખડતા પશુઓના ત્રાસ મુદ્દે સવાલો ઉભા કર્યા છે.