તાલાલા પંથકની દોઢ લાખ માનવ વસ્તીની આરોગ્ય સુખાકારી માટે નવનિર્મિત બંધાતી 30 બેડની હોસ્પિટલની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલતી હોવાની ચર્ચા
તાલાલા પંથકના 45 ગામની દોઢ લાખ માનવ વસ્તી તથા ગીરના જંગલમાં અંતરિયાળ વસવાટ કરતા પરિવારોને આરોગ્ય સેવા આપતી ગીરના પાટનગર તાલાલા શહેરમાં કાર્યરત રૂ.06 કરોડ 50 લાખના ખર્ચે નવનિર્મિત બનતી સરકારી હોસ્પિટલની કામગીરીમાં વેગ લાવી ચોમાસા પહેલા પૂર્ણ કરવા તાલાલા પંથકમાંથી પ્રબળ લોક માંગણી ઉઠી છે. તાલાલા નાં આરોગ્ય મંદિર દ્રારા દર વર્ષે 800 જેટલી પ્રસુતિ સાથે 35 હજારથી વધુ દર્દીઓને આરોગ્ય સેવાઓ આપવામાં આવે છે જે પૈકી અંદાજે 15 હજાર જેટલા ઇન્ડોર દર્દીઓને સારવાર આપવામાં આવે છે.આરોગ્ય મંદિરની ઓપીડી ધ્યાને લઈ રાજ્ય સરકાર રૂ.06 કરોડ 50 લાખના ખર્ચે 30 બેડની નવનિર્મિત હોસ્પિટલ બનાવી રહી છે.આ કામગીરી અંદાજે બે વર્ષથી ચાલું છે.આ કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ કરવી ખૂબ જ જરૂરી હોય ગોકળગાયની ગતિથી ચાલતી હોસ્પિટલની કામગીરીમાં ગતિ લાવવા માંગણી ઉઠી છે…હોસ્પિટલની કામગીરી દરમિયાન સરકારે બાજુમાં આવેલ સરકારી પ્રાથમિક શાળામાં વૈકલ્પિક હોસ્પિટલ કાર્યરત કરી છે.વૈકલ્પિક હોસ્પિટલમાં ચોમાસામાં ઇન્ડોર દર્દીઓ તથા પ્રસુતિ માટે આવતી મહિલાઓને જરૂરી સારવાર માટે ખૂબ જ મુશ્કેલી પડે છે.તાલાલા નાં નવનિર્મિત બંધાઈ રહેલા આરોગ્ય મંદિરની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલતી હોવાને કારણે સમય મર્યાદામાં પૂર્ણ થઈ શકી નથી તેવી લોક ચર્ચાઓ થઈ રહી હોય આરોગ્ય વિભાગના સત્તાવાળાઓ આ અંગે તુરંત તપાસ કરી તાલાલા પંથકના 45 ગામ માટે આશીર્વાદરૂપ નવનિર્મિત આરોગ્ય મંદિર ચોમાસા પહેલા કાર્યરત કરવા પ્રબળ લોક માંગણી ઉઠી છે.
એપ્રિલ માસમાં હોસ્પિટલનું કામ પૂર્ણ કરવા ધારાસભ્યએ સૂચના આપી હતી
તાલાલા સરકારી હોસ્પિટલમાં ફેબ્રુઆરી માસમાં રોગી કલ્યાણ સમિતિ ની અગત્યની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં ગીર પંથકના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ,નાયબ કલેકટર અને એસ.ડી.એમ.શ્રી વિનોદ જોશી તથા તાલાલા મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં આરોગ્ય મંદિરની કામગીરી બે માસમાં પૂર્ણ કરવા કોન્ટ્રાક્ટરને તાકીદ કરવામાં આવી હતી.આ સુચના ની પણ અમલવારી થઈ નથી પરિણામે નવી બિલ્ડીંગ માં હોસ્પિટલ કાર્યરત થઇ નથી.