રાજકોટ મનપાના અન્ય નવા સુકાનીઓમાં ડેપ્યુટી મેયરનો માભો દક્ષાબેન વસાણીને, સ્ટેન્ડીંગ ચેરમેનપદ પરેશ પીપળિયાને, શાસક નેતા હિરેન ખીમાણિયા અને દંડકની ખુરશી સંજયસિંહ રાણાને
સ્થાનિક સ્વરરાજ્યની સંસ્થાઓમાં નવા હોદેદારોની પસંદગીના બીજા રાઉન્ડમાં આજે રાજકોટ સહિતની વિવિધ મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈ પ્રદેશ ભાજપ દ્વારા જ્ઞાતિ સમીકરણોને બેલેન્સ કરી હોદ્દેદારો નિમ્યા હોય તેવું ચિત્ર હાલ સ્પષ્ટ ઉભું થયું છે. રાજકોટ મનપામાં મેયર તરીકે જે છેલ્લી ઘડીએ ટીકીટ વટથી લઇ આવ્યા હતા અને તેવા નેહલ શુક્લે હવે મેયરનો તાજ પણ વટથી લઇ આવ્યા. રાજ્યની ચાર અગત્યની મહાનગરપાલિકાઓ ઉપરાંત વડોદરા, ભાવનગર, અને સુરેન્દ્રનગરમાં ભાજપ શાસન દ્વારા આગામી ટર્મ માટે નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને અન્ય મહત્વના હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકામાં નવા પદાધિકારીઓની વરણીને લઈને લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. રાજકોટ શહેરના 23મા મેયર તરીકે ડો. નેહલ શુક્લની પ્રમુખ પદ પર સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. તેમની પસંદગી પાછળ તેમનું ઉચ્ચ શિક્ષણ અને પક્ષ પ્રત્યેની વફાદારી મુખ્ય કારણ હોવાનું મનાય છે. આ સાથે જ ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણીની પસંદગી કરવામાં આવી છે, જેઓ મહિલા સશક્તિકરણનું પ્રતીક છે અને પાયાના કાર્યકર રહ્યા છે. મનપાની સૌથી પાવરફુલ ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પીપળીયાના નામની મોહર મારવામાં આવી છે. રાજકોટના બજેટ અને વિવિધ વિકાસ કાર્યોને ગતિ આપવાની મુખ્ય જવાબદારી હવે તેમના શિરે રહેશે. આ ઉપરાંત, શાસક પક્ષના નેતા તરીકે હિરેન ખીમાણીયા અને પક્ષના દંડક તરીકે સંજયસિંહ રાણાની નિયુક્તિ કરવામાં આવી છે. આ નવી ટીમ રાજકોટ શહેરના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ અને પાણી-રોડ રસ્તાની સમસ્યાઓ ઉકેલવા કટિબદ્ધ બનશે.
સુરેન્દ્રનગર મનપાના મેયર પદે રાકેશભાઈ રાઠોડ
તાજેતરમાં જ મહાનગરપાલિકાનો દરજ્જો મેળવ્યા બાદ સુરેન્દ્રનગરમાં યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત હાસિલ કરી હતી. આ જીત બાદ આજે પ્રથમ વખત મેયર અને અન્ય હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના પ્રથમ નાગરિક એટલે કે મેયર તરીકે રાકેશભાઈ રાઠોડના નામની જાહેરાત કરવામાં આવી છે. તેમની સાથે ડેપ્યુટી મેયર તરીકે સ્મિતાબેન રાવલની પસંદગી કરાઈ છે. વહીવટી નિર્ણયો માટે મહત્વની એવી કારોબારી સમિતિના ચેરમેન તરીકે નિખિલભાઈ ચાંપાનેરીની વરણી કરવામાં આવી છે. મનપામાં પક્ષના શાસક નેતા તરીકે પિન્ટુબેન આસાણીયા અને દંડક તરીકે સ્વાતિબેન માંડલિયાની વરણી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના સર્વાંગી વિકાસ માટે આ નવી ટીમ ઐતિહાસિક નિર્ણયો લેશે તેવી આશા રાખવામાં આવી રહી છે.
વડોદરાના નવા મેયર ગીતાબેન મકવાણા
વડોદરાના નવા મેયર તરીકે ગીતાબેન મકવાણાના નામની સત્તાવાર જાહેરાત કરાતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે સ્થાયી સમિતિના નવા ચેરમેન તરીકે વર્ષાબેન વ્યાસની પસંદગી કરવામાં આવી છે. શાસક પક્ષના નવા નેતા તરીકે પણ શ્વેતા માછી અને વિજય ચૌહાણને પક્ષના નવા દંડક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ભાવનગર મનપાના મેયર ઉષાબેન તલરેજા
સાંસ્કૃતિક અને ઐતિહાસિક શહેર ભાવનગર મહાનગરપાલિકાને પણ આજે પોતાના નવા વડા મળી ગયા છે. ભાવનગરના તકતેશ્વર વોર્ડના લોકપ્રિય કાઉન્સિલર ઉષાબેન તલરેજાની શહેરના નવા મેયર તરીકે વરણી કરવામાં આવી છે. સામાન્ય પ્રજા સાથે સીધો સંવાદ ધરાવતા ઉષાબેનની પસંદગીને શહેરીજનોએ આવકારી છે. ભાવનગરના ડેપ્યુટી મેયર તરીકે અશોકભાઈ બારૈયાની નિમણૂક કરવામાં આવી છે, જેઓ સંગઠન સ્તરે લાંબો અનુભવ ધરાવે છે. આ સાથે જ ભાવનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીના નવા ચેરમેન તરીકે કિશન મહેતાની પસંદગી કરાઈ છે. આગામી સમયમાં ભાવનગરમાં ટ્રાફિક, ગટર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ઝડપથી પૂર્ણ કરવા આ નવી પાંખ સક્રિય ભૂમિકા ભજવશે.
વાપીના મેયર દક્ષાબેન પટેલ
પ્રદેશ ભાજપ દ્વારા વાપી મહાનગરપાલિકાના હોદ્દેદારોને મેન્ડેટ આપવામાં આવ્યો જેમાં મેયર પદે દક્ષાબેન પટેલની નિયુક્તિ કરવામાં આવી છે તો ડેપ્યુટી મેયર પદે મિતેશભાઇ દેસાઈ, સ્ટેન્ડિંગ ચેરમેન પદે સતિષભાઈ પટેલ શાસક પક્ષ નેતા પદે ધર્મેશભાઈ પટેલ અને દંડક પ્રદેશ સુનિતાબેન તિવારીની નિયુક્તિ કરવામાં આવી છે.
આણંદના પ્રથમ નાગરિક દીપિકા પટેલ
પ્રદેશ ભાજપ દ્વારા આણંદ મહાનગરપાલિકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે જેમાં મેયર પદે દીપિકા પટેલ, ડેપ્યુટી મેયર પદ પર કમલેશ ડાભી, સ્ટેન્ડિંગ ચેરમેન મયુર સુથાર, શાસક પક્ષના નેતા અમિત પુરોહિત અને હિરલબેન શાહને દંડકની જવાબદારી સોંપવામાં આવી.