Jai Hind

જામકંડોરણાના સાતોદડમાં ન્યાય મેળવવા ધરતીપુત્રે જાહેરમાં જાત જલાવવા કરી કોશિષ

જમીન કપાતમાં ગયા બાદ વળતર મેળવવા થતા અન્યાય સામે ભર્યું પગલુ

જામકડોરણા તાલુકાના સાતોદડ ગામેથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં જમીન વળતરના મુદ્દે ન્યાય ન મળતા એક હતાશ ખેડૂતે સરકારી અધિકારીઓ અને પોલીસ કાફલાની હાજરીમાં જ આત્મવિલોપન કરવાનો ગંભીર પ્રયાસ કર્યો હતો. ખેડૂતે એક હાથમાં સળગતી મશાલ અને બીજા હાથમાં કેનમાં જ્વલનશીલ પ્રવાહી લઈ પોતાના શરીર પર છાંટી પોતાને આગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો.
જે સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે, જેને પગલે સ્થાનિક પ્રશાસનની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. મળતી વિગતો મુજબ, કાલાવડ-જામકંડોરણા-ધોરાજી હાઇવેના નિર્માણ કાર્ય દરમિયાન સાતોદડ ગામના ખેડૂત રાજભાની કિંમતી જમીન રોડ કપાતમાં ગઈ હતી. નિયમ મુજબ જમીન સંપાદન થયા બાદ ખેડૂતને યોગ્ય વળતર મળી જવું જોઈતું હતું, પરંતુ લાંબો સમય વીતી જવા છતાં તંત્ર દ્વારા વળતર ચૂકવવામાં આવ્યું ન હતું. જેથી પોતાનો હક મેળવવા માટે પીડિત ખેડૂતે અવારનવાર સરકારીકચેરીઓના ધક્કા ખાધા અને રજૂઆતો કરી, છતાં વહીવટી તંત્રના બહેરા કાને અથડાઈને તેમની માંગણીઓ વણઉકેલાયેલી જ રહી હતી. સરકારી તંત્રએ કોઈ યોગ્ય કાર્યવાહી ન થવાને કારણે અંતે ત્રસ્ત અને હતાશ બનેલા ખેડૂત રાજભાએ આ આત્યંતિક પગલું ભરવાનું નક્કી કર્યું હતું. ઘટનાસ્થળે જ્યારે અધિકારીઓ અને પોલીસ હાજર હતા, ત્યારે જ ખેડૂતે પોતાના હાથમાં જ્વલનશીલ પ્રવાહીનું કેન અને સળગતી મશાલ પકડીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. ખેડૂતનું આ રૌદ્ર સ્વરૂૂપ જોઈને ત્યાં હાજર પોલીસકર્મીઓ અને અધિકારીઓમાં ભારે નાસભાગ અને હડકંપ મચી ગયો હતો.