Jai Hind

ગઢડામાં ચિત્રમ આર્ટ ગેલેરી દ્વારા નિ:શુલ્ક વર્ક શોપ યોજાયો

દયાળભાઈ પટેલ દ્વારા કલાકારોને માર્ગદર્શન અપાયું

ગઢડા(સ્વામીના)માં 87 વર્ષના સમર્થ ચિત્રકાર એવા દયાળભાઈ પટેલ પોતાના નિજાનંદ માટે અથાક ચિત્ર સાધનામાં રત છે. જેણે પોતાના ઘરે જ લોકો માટે નિ:શુલ્ક જાહેર આર્ટ ગેલેરી બનાવી છે.આ ઉંમરે પણ તેઓ સરેરાશ છ થી સાત કલાક માત્ર નિજાનંદ માટેજ ચિત્રો દોરી રહ્યા છે. મૂળભૂત રીતે તેઓ નિવૃત ચિત્ર શિક્ષક હોવાથી આજે પણ છ વરસના બાળકથી માંડી પુખ્ત વયના જ્ઞાન ઉત્સુક ગમે ત્યારે તેના ઘરે વિના સંકોચે ચિત્રકામ શીખવા કે માર્ગદર્શન માટે જઈ શકે છે. બાળકો અને યુવાનોમાં કલા રસ જાગૃત બને અને જળવાઈ રહે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે વયજૂથ મુજબ ત્રણ તબક્કામાં ઉનાળુ વેકેશન દરમિયાન ચિત્રકલા વર્ક શોપનું આયોજન કરવામાં આવ્યુ છે. જે પૈકી બે વર્કશોપ પૂરા થઈ ગયેલ છે. તેમજ 1 જૂનથી 14 વર્ષ ઉપરની ઉંમરના માત્ર બહેનો માટેનો અઠવાડિયા માટે વર્કશોપ શરૂ થશે.આ વર્ક શોપમાં તમામ પ્રકારના સાધનો અને કીટ ભાગ લેનારને મફત આપવામાં આવે છે. જે પૈકી બીજા વર્ક શોપની પૂર્ણાહુતિ પ્રસંગે બાળકોને તેમના માતા પિતાની હાજરીમાં તાલીમ લીધા અંગેના પ્રમાણ પત્ર પણ આપવામાં આવેલા હતા.