Jai Hind

ઉનામાં જૂની અદાવતમાં યુવક પર જીવલેણ હુમલો: 9 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

રાજકોટ સિવિલમાં બે યુવકો સારવાર હેઠળ : ભાભી સાથેના અનૈતિક સંબંધની બોલાચાલીનું મનદુ:ખ રાખી હુમલો કર્યાનો આક્ષેપ

ઉના શહેરમાં સ્મશાન સામે જુની અદાવતમાં બે યુવકો પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે.ત્રણ મોટરસાઈકલ પર આવેલા 9 શખ્સોએ છરી, લોખંડના પાઈપ અને સુડા વડે હુમલો કરતા બંને યુવકો ગંભીર રીતે ઘવાયાછે. ઉના પોલીસે ફરિયાદનોંધીતપાસ હાથ ધરી છે.
ઉના સ્મશાન સામે આવેલા આકડા ઉપર કેવલભાઈ ચંદુભાઈ વાજા અને તેમના મિત્ર રવીભાઈ ઉર્ફે બુચી દેવચંદભાઈ બાંભણીયા બેઠા હતા.
તે દરમિયાન ત્રણ મોટરસાઈકલ પર કુલ 9 વ્યક્તિઓ ધસી આવ્યા હતા.
ફરિયાદ મુજબ એક મોટરસાઈકલમાંથી બે વ્યક્તિને ઉતારી બાકીના જતા રહ્યા હતા.આરોપી રાજ વાજાએ છરી વડે, રોહને લોખંડના પાઈપ વડે અને અલ્પેશભાઈ બાંભણીયાએ સુડા વડે બંને યુવકો પર આડેધડ હુમલો કર્યો હતો. કેવલભાઈને ડાબા હાથના કોણીના ભાગે છરી મારી અને જમણા પગે પાઈપના ઘા ઝીંક્યા હતા.
રાજ વાજાએ મારી નાખવાના ઈરાદે વાસાના ભાગે જીવલેણ છરીનો ઘા માર્યાનો આક્ષેપ છે. રવીભાઈને બંને પગમાં સુડાના ઘા મારી ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચાડી હતી. તેમજ જમણા હાથના કાંડા ઉપર પણ ફ્રેક્ચર કર્યું હતું. અન્ય 6 અજાણ્યા શખ્સોએ પણ લોખંડના પાઈપ વડે શરીરે આડેધડ માર માર્યો હતો.
ફરિયાદી કેવલભાઈ વાજા એ જણાવ્યું કે રવીભાઈ બાંભણીયાની ભાભી સાથે આરોપી અલ્પેશ બાંભણીયાને અનૈતિક સંબંધ હતો. આ બાબતે અગાઉ રવીભાઈ સાથે બોલાચાલી થયેલ, જેનું મનદુ:ખ રાખીને આ હુમલો કરવામાં આવ્યો છે.
બન્ને શખ્શો ને હુમલાખોરોથી છોડાવ્યા હતા. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા બંનેને ઉના સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા.
ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ રિફર કરાયા હતા. હાલ બંને યુવકો રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ છે.
ઉના પોલીસે કેવલભાઈ વાજાની ફરિયાદના આધારે રાજ વાજા, રોહન, અલ્પેશભાઈ બાંભણીયા સહિત કુલ 9 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા છે.