Jai Hind

જાફરાબાદ-માણાવદરમાં કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો : સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાન ગગડ્યું

સુરેન્દ્રનગર 41 ડિગ્રીએ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું : રાજકોટ 40.4 ડિગ્રીએ અસહ્ય બફારો: રાજ્યના 4 શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થયો : ઠંડા પવનો ફુંકાતા 4 ડિગ્રી સુધી તાપમાન નીચે આવ્યું

દક્ષિણ ભારતમાં ચોમાસાની આગેકુચ વચ્ચે હવે ગુજરાતમાં પણ વરસાદની રાહ જોવાઈ રહી છે. આ વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છમાં સતત ત્રીજા દિવસે ધ્રાબળીયુ વાતાવરણ રહ્યું હતું. ઠંડા પવનો ફઉંકાતા મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની નીચે રહ્યું હતું. જ્યારે જાફરાબાદ અને માણાવદરમાં વ્હેલી સવારે ગાજવીજ સાથે ઝાપટા વરસ્યા હતાં. સોમવારે સુરેન્દ્રનગર 41 ડિગ્રીએ રાજ્યનું ગરમ શહેર બન્યું હતું. જ્યારે રાજકોટમાં 40.4 ડિગ્રીએ અસહ્ય બફારાનો અહેસાસ કર્યો હતો.
રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો પ્રારંભ થયો છે. છેલ્લા ત્રણ દિવસથી ધ્રાબળિયું વાતાવણ રહ્યું છે. પવનો ફુંકાતા મોટાભાગના શહેરોમાં તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં તાપમાનનો પારો 4 ડિગ્રી સુધી ગગડ્યો છે. રવિવારે અમદાવાદ, પંચમહાલ, અરવલ્લી સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતાં. જ્યારે સોમવારે સવારે જાફરાબાદ, માણાવદર પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વહેલી સવારે શહેરમાં અંધારપટ્ટ છવાયું હતું. વીજળીના કડાકા-ભડાકા થયા હાતં. ઠંડા પવનના સુસવાટાથી વાતાવરણ ઠંડુગાર થઈ ગયું હતું.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 5 જૂન સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે. રોહિણી નક્ષત્ર દરમિયાન વરસાદ થવો ખેતી અને ચોમાસાની દ્રષ્ટિએ સારો સંકેત માનવામાં આવે છે. સામાન્ય રીતે ચોમાસાના આગમન પૂર્વે પક્ષીઓની હલચલ, તેમના અવાજો અને આકાશમાં કેટલીક કુદરતી ગતિવિધિઓ જોવા મળતી હોય છે.
અંબાલાલ પટોલના જણાવ્યા અનુસાર તા. 8 જૂન આસપાસ દરિયાઈ પવનોમાં પરિવર્તન થવાની સંભાવના છે. તેના કારણે 8 થી 15 જૂન દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ શરૂ થઈ શકે છે. જો કે આ સમયગાળા દરમિયાન વરસાદનું પ્રમાણ અને વ્યાપ વિસ્તાર પ્રમાણે અલગ હોઈ શકે છે. આગામી તા. 20 થી 28 જૂન વચ્ચે રાજ્યમાં વધુ સક્રિય વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉનાળાની કાળઝાળ ગરમી બાદ ચોમાસાની આતુરતા પૂર્વક પ્રજાજનો રાહ જોઈ રહ્યા છે. આગામી બે થી ત્રણ સપ્તાહ દરમિયાન ચોમાસું પ્રગતિ કરશે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સાત દિવસોમાં મહત્તમ તાપમાનમાં ધીરે ધીરે ત્રણથી પાંચ ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળશે. ચોમાસુ હાલ અરબી સમુદ્રમાં પહોંચી ગયું છે. ત્રણ દિવસ બાદ ચોમાસાએ ગતિ પકડી છે.

ક્યા શહેરમાં કેટલુ તાપમાન
શહેર તાપમાન
સુરેન્દ્રનગર 41
રાજકોટ 40.4
અમરેલી 39.7
કંડલા 38.4
ભાવનગર 38.2
ભૂજ 37.6
કેશોદ 36.8
મહુવા 35.4
ઓખા 35
પોરબંદર 35
વેરાવળ 34.6
દીવ 34
દ્વારકા 32.8