ખાખબાઈ ગામનો રસ્તો માંડણ ગામે સોલાર ઊર્જા પ્રોજેક્ટ સહિત વિવિધ મુદે રજૂઆત થઈ
રાજુલા-જાફરાબાદના વિકાસલક્ષી પ્રશ્નોના ઝડપી નિકાલ માટે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને ટીંબી યાર્ડના પ્રમુખ ચેતનભાઈ શિયાળે આગેવાનો સાથે ગાંધીનગરમાં કૃષિ, શિક્ષણ અને ઉર્જા મંત્રીશ્રીઓની રૂબરૂ મુલાકાત લીધી. ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નો સીધા અરજદારો સાથે રજૂ કરવાની અનોખી પદ્ધતિથી મંત્રીઓએ તમામ પ્રશ્નો પર હકારાત્મક વલણ દાખવતા આગેવાનોએ સંતોષ વ્યક્ત કર્યો. ગ્રામ્ય વિસ્તારમાં ચોમાસા દરમિયાન પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈ રજૂઆતો કરવામાં આવી. ખાખબાઈ ગામનો રસ્તાનો પ્રશ્ન ગંભીર હોવાથી ચોમાસા પહેલા જ કામ શરૂ થાય તેવી રજૂઆત ધારાસભ્યએ કરી. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને ખેડૂતો વતી રજૂઆત કરાઈ કે ચોમાસુ નજીક હોવાથી ખેડૂતોને પૂરતું ખાતર મળી રહે અને હેરાનગતિ ન થાય તે માટે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવે. આરોગ્ય મંત્રીપ્રફુલભાઈ પાનસુરીયાને રાજુલાની હોસ્પિટલમાં સ્ટાફની ઘટ અને આરોગ્ય સુવિધાઓ વધારવા સાથે ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સ્ટાફની ભરતી અંગે રજૂઆત કરાઈ. ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયાને માંડણ ગામે સોલાર ઉર્જા પ્રોજેક્ટ કાર્યરત કરવા અને નવી સિસ્ટમ સ્થાપવાની રજૂઆત કરવામાં આવી. આગેવાનોએ અરજદારો સાથે ઉર્જા સોલાર પ્લાન્ટ તેમજ અન્ય પ્રશ્નોની મુશ્કેલી અંગેની વિસ્તૃત જાણકારી કૌશિકભાઈને આપી. માંડણ ગામનો પ્રશ્ન હલ કરવા માટે મંત્રીશ્રીએ અધિકારીઓને તાત્કાલિક સૂચનાઓ આપી. આ પ્રસંગે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પોતાની કાર્યપદ્ધતિ અંગે કહ્યું: “અરજદારને સાથે લઈને રૂબરૂ રજૂઆત કરવાથી પ્રશ્નની વાસ્તવિકતા અધિકારીઓ અને મંત્રીઓને સીધી સમજાય છે. અરજદારને પણ વિશ્વાસ રહે કે તેની અરજી સરકાર સુધી પહોંચી ગઈ છે અને અધિકારીનો જવાબ પણ સીધો સાંભળવા મળે છે. આ પદ્ધતિથી ઝડપી ઉકેલ શક્ય બને છે. ધારાસભ્યની ઓફિસમાં કોઈ અરજી પેન્ડિંગ રાખવામાં આવતી નથી. ગમે ત્યારે ગમે તે પ્રશ્ન હોય ત્યારે અમે સ્થળ પર પહોંચી જઈએ છીએ.” આ પ્રસંગે ટીંબી યાર્ડના પ્રમુખ ચેતનભાઈ શિયાળ, રાજુલા તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ હિંમતભાઈ બલદાણીયા, જાફરાબાદના ભાવેશભાઈ સોલંકી, ભાજપ અગ્રણી કરસનભાઈ ખાખભાઈ વાળા, ભરતભાઈ કલસરિયા, રાજુલા તાલુકા ભાજપ પ્રમુખ ધીરુભાઈ નકુમ, મનોજભાઈ લોજવાળા, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી વીરભદ્રભાઈ ડાભીયા, લીલા પંચાયતના સદસ્ય લાલજીભાઈ વાણીયા, વનરાજભાઈ વરુ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા.