જામ કંડોરણાના ચિત્રાવડમાં ધોધમાર વરસાદ : ગઢડામાં પવનના સુસવાટા સાથે વર્ષાથી માટીની મહેક પ્રસરી કાલાવડના નિકાવા, અમરેલી, ખડ ખંભાળિયા સહિતના શહેરોમાં મેઘ સવારીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી : રાજકોટમાં કાળા ડિબાંગ વાદળો છવાયા, ભાવનગરમાં વરસાદી ઝાપટુ વરસ્યું હતું
કાળઝાળ ગરમીમાં આજે અચાનક હવામાનમાં પલટો આવતા સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર વરસાદ વરસ્યો હતો. આ વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. (તસ્વીર : પ્રવિણ સેદાણી-રાજકોટ, પ્રભાકર મોદી-ગઢડા સ્વામીના )
આજે સૌરાષ્ટ્રના અનેક શહેરો-ગ્રામ્ય વિસ્તારમાં ચોમાસા વહેલા મેઘસવારી આવી પહોંચી હતી. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. રસ્તા પર પાણી વહી નિકળ્યા હતાં. ખેતરોમાં પાણી ભરાતા ખેડુતો ચિંતામાં મુકાયા હતાં. આજે વાતાવણમાં અચાનક પલટો આવતા જામ કંડોરણાના ચિત્રાવડ, બરડિયા, ગઢડા, કાલાવડના નિકાવા, અમરેલીના ખડ ખંભાળિયા, અમરેલી શહેર જિલ્લામાં મેઘ સવારી આવી પહોંચી હતી. જ્યારે રાજકોટમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતાં. ભાવનગરમાં વરસાદી ઝાપટુ વરસ્યું હતું.
રાજકોટ જિલ્લાના જામકંડોરણા પંથકમાં અચાનક વાતાવરણ લટાતા ચિત્રાવડ, બરડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે પવન અને વરસાદથી નદી-નાળા તથા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. રાજકોટ જિલ્લાના જામકંડોરણા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સાંજના સમયે અચાનક વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે.
કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને જોતજોતામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂૂ કરી દીધી હતી. પંથકમાં પડેલા આ અણધાર્યા વરસાદના કારણે સમગ્ર વાતાવરણમાં સરસ ઠંડક પ્રસરી ગઈ છે. જામકંડોરણા તાલુકાના ચિત્રાવડ અને બરડીયા સહિતના આસપાસના ગ્રામ્ય પંથકોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. લાંબા સમયથી ગરમીથી તોબા પોકારી ઉઠેલા સ્થાનિક રહીશોને આ વરસાદથી મોટી રાહત મળી છે.
ગઢડા વિસ્તારમાં મોડી સાંજે પ્રથમ વરસાદથી માટીની મહેંક પ્રસરી
ગઢડા(સ્વામીના) શહેર સહિત આજુબાજુના વિસ્તારોમાં નજીક આવેલા ચોમાસા પૂર્વે મોડી સાંજે વાતાવરણ પલટાતા હળવા વરસાદથી માટીની મહેંક પ્રસરી ઊઠી હતી. ખાસ કરીને દિવસે દિવસે આકરા બની રહેલા ઉનાળાની ગરમીના દિવસોમાં સતત ગરમીના અનુભવ પછી મોડી સાંજે વરસાદી વાતાવરણના બફારા વચ્ચે હવામાન પલટાયું હતું. જેના પગલે કાળા ડીબાંગ વાદળો અને પવનના સૂસવાટા વચ્ચે હળવા વરસાદનું આગમન થતાં હાશકારા વચ્ચે લોકોએ ચોમાસાની મહેંક માણી હતી. તેમજ નજીક આવેલા ચોમાસાના પગલે ખેડૂતોએ ખેતર ખેડી વાવણી માટે તૈયારીઓ હાથ ધરી સારા ચોમાસા તરફ મીટ માંડી છે.
કાલાવડના નિકાવા ગામે વરસાદી ઝાપટાં
જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. દિવસભર અનુભવાતી ગરમી અને ઉકળાટ વચ્ચે એકાએક પવનની ગતિમાં વધારો થતાં આકાશમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. ત્યારબાદ કાલાવડ તાલુકાના નિકાવા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. નિકાવા ગામમાં થોડા સમય માટે પડેલા વરસાદી ઝાપટાંના કારણે ક્યાંક પાણી ના રેલાઓ ઉતર્યા હતા, અને રસ્તાઓ ભીના બન્યા હતા જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. પવન અને વરસાદના કારણે છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી અસહ્ય ગરમીમાં ઘટાડો નોંધાયો હતો. વરસાદી ઝાપટાં પડતાં ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ખેડૂતો માટે પણ આ વરસાદ આશાજનક માનવામાં આવી રહ્યો છે. જોકે વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું હતું, તેમ છતાં વાતાવરણમાં આવેલા બદલાવના કારણે લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહતનો અનુભવ થયો હતો. વરસાદ બાદ વિસ્તારમાં ઠંડક પ્રસરી જતાં લોકો ઘરની બહાર નીકળી બદલાયેલા વાતાવરણની મજા માણતા જોવા મળ્યા હતા.
અમરેલીના ખડ ખંભાળિયામાં કરા સાથે વરસાદ
અમરેલી જિલ્લાના આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને બફારાથી ત્રસ્ત બનેલા લોકો માટે પ્રિમોન્સુમ વરસાદએ રાહતનો વરસાદ વરસાવ્યો છે. જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં થોડીઘણી ઠંડક પ્રસરી ગઈ હતી. ખાસ કરીને અમરેલી તાલુકાના ખડ ખંભાળિયા ગામે કરા સાથે વરસાદ વરસતા ગ્રામજનોમાં ભારે આશ્ચર્ય સાથે ઉત્સાહ જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ અમરેલી તાલુકાના લાપાળીયા ગામે વરસાદી ઝાપટું પડ્યું હતું, જ્યારે વડીયા તાલુકાના અમરાપુર ગામમાં પણ મેઘરાજાએ હાજરી આપી હતી. બાબરા પંથકના ઘુઘરાળા ગામ સહિત અમરેલી, બાબરા અને વડીયા વિસ્તારના ત્રણથી ચાર ગામોમાં વરસાદ નોંધાતા ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને ખડ ખંભાળિયા ગામે વરસાદ સાથે બરફના કરા પડતાં ગ્રામજનોમાં અચરજ ફેલાયું હતું. ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે કરા સાથેનો વરસાદ દુર્લભ ઘટના ગણાતા લોકો આ કુદરતી નજારાનો આનંદ માણવા ઘરની બહાર નીકળી આવ્યા હતા. બાળકો અને યુવાનોમાં પણ કરા એકત્ર કરવાની ઉત્સુકતા જોવા મળી હતી. ખેડૂતોના જણાવ્યા અનુસાર ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પડેલો આ વરસાદ ખેતી માટે સીધો લાભદાયી ન હોવા છતાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારશે અને જમીનમાં ઠંડક લાવવામાં મદદરૂપ બનશે. બીજી તરફ વરસાદ અને કરાના કારણે કેટલાક વિસ્તારોમાં લોકોમાં કુતૂહલ પણ જોવા મળ્યું હતું.
ભાવનગરમાં વરસાદી માહોલ વિખેરાઈ જતાં સૂર્યનારાયણનો પ્રકોપ વધ્યો
ગોહિલવાડ પંથકમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. સોમવારે રાત્રિના સમયે અચાનક વાતાવરણ પલટાયું હતું અને ભારે તોફાની પવન ફૂંકાવવાની સાથે પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હળવો વરસાદ પડ્યો હતો. આ વરસાદી ઝાપટાંને કારણે મંગળવારે પંથકના મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો દર્જ થયો હતો, જેનાથી સ્થાનિક રહીશોએ દિવસભર કાળઝાળ ગરમીમાંથી બહુ મોટી રાહત અનુભવી હતી. જો કે, વાતાવરણમાં સર્જાયેલી આ ઠંડક માત્ર 24 કલાક પૂરતી જ સીમિત રહી હતી. આજે બુધવારે સવારથી જ હવામાનનો મિજાજ ફરી આકરો બન્યો છે. ગઈકાલનો વરસાદી માહોલ સંપૂર્ણપણે વિખેરાઈ જતાં અને આકાશ સાફ થઈ જતાં સૂર્યનારાયણના આકરા કિરણો સીધા જમીન પર પડી રહ્યા છે. પરિણામે સવારના પ્રારંભિક કલાકોથી જ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ખૂબ વધી ગયું છે અને અસહ્ય બફારાએ જોર પકડ્યું છે. આજે બુધવારે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 38.9 ડીગ્રી નોંધાયું હતું .જ્યારે લઘુત્તમ તાપમાન 29.0 ડિગ્રી રહેવા પામ્યું હતું .વાતાવરણમાં ભેજનું પ્રમાણ 40% રહ્યું હતું જ્યારે પવનની ઝડપ 22 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.
આજે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી
ગુજરાતમાં ઉનાળાના આકરા તાપ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ ભારે પવન અને મેઘગર્જના સાથે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઈંખઉ અનુસાર, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આગામી 5 જૂન સુધી વીજળીના કડાકા-ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ દરમિયાન 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે. હવામાન વિભાગના મુજબ, 3 જૂનના રોજ કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, ભરૂૂચ અને સુરત સહિતના મધ્ય-દક્ષિણ ગુજરાતના જિલ્લાઆ તથા સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં પવનની 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે. તેમજ મેઘગર્જના અને વીજળીના ચમકારા સાથે વરસાદી માહોલ રહેશે.આજના રોજ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન અને મેઘગર્જના સાથે વરસાદી માહોલ જોવા મળશે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 5 જૂનના રોજ માત્ર દક્ષિણ ગુજરાત અને પૂર્વ પટ્ટીમાં જ વરસાદી માહોલ જોવા મળશે. જેમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અમરેલી અને ભાવનગર જિલ્લામાં 40થી 50 કિમીની ઝડપે પવન સાથે છૂટાછવાયા સ્થળે વરસાદની શક્યતા છે.