આરોપી સામે ભેંસાણ, વિરમગામ ટાઉન તથા કર્ણાટક રાજ્યના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે ગુના
સાયબર ફ્રોડના ગુજરાત અને કર્ણાટકના ગુન્હામાં બેંક એકાઉન્ટ ભાડે આપનાર અને છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા આરોપીને વિસાવદર પોલિસે સુરત ખાતેથી પકડી પાડી, વિસાવદર લાવી, આરોપીની વધુ તપાસ હાથ ધરી છે.
વિસાવદર પોલિસ સ્ટેશનના ભારતીય ન્યાય સંહિતાની કલમો તથા ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ મુજબ દાખલ કરવામા આવેલ ગુનાનો આરોપી નિર્મલકુમાર વલ્લભભાઈ સાવલીયા ઉ.વ.28, (રહે. મોટી મોણપરી, તા.વિસાવદર, હાલ સુરત) એ પોતાના આઇડીએફસી ફર્સ્ટ બેંક જૂનાગઢના એકાઉન્ટમાં સાયબર ફોડના રૂપિયા જમા થતા હોવાનું જાણતો હોવા છતા અલગ-અલગ માધ્યમથી સાયબર ફ્રોડથી રૂા. 1,73,47,125 મેળવેલ. જે રૂપિયા પોતે અથવા તેની સાથે સંડોવાયેલ ઈસમોએ બદદાનતથી મેળવી પોતાના આર્થિક ફાયદા સારૂ વિડ્રો કરી સગેવગે કરી, ગુનો કરેલ હતો
આ આરોપી છેલ્લા પાંચ માસથી નાસ્તો- ફરતો હતો અને અટક કરવાનો બાકી હતો જે દરમિયાન વિસાવદર પોસ્ટે ના પો.હેડ.કોન્સ કે.પી કરમટા અને પો.કોન્સ જીજ્ઞેશભાઇ ભેડા તથા રાકેશભાઇ ડોબરીયા નાઓને ટેકનીકલ અને હ્યુમન સોર્સ આધારે આરોપી અંગે ચોક્કસ બાતમી હકિકત મળતા મદદનીશ પોલીસ અધિક્ષક વિસાવદર રોહિતકુમાર ડગરના માર્ગદર્શન હેઠળ વિસાવદર પો.ઇન્સ. એચ.વી.પટેલની સુચના મુજબ વિસાવદર પોલીસની એક ટીમ સુરત ખાતે રવાના થઈ, તપાસ કરી, આરોપીને સુરત ખાતેથી પકડી પાડી, વિસાવદર લાવી, વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસના વધુમાં જણાવ્યા મુજબ, પકડી પાડેલ આરોપી સામે ભેસાણ પોલીસ સ્ટેશન, વિરમગામ ટાઉન અમદાવાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન તથા ચીખબાલપુરા પોલીસ સ્ટેશન (કર્ણાટક રાજય) માં ભારતીય ન્યાય સહીતા-2023 ની કલમની વિવિધ કલમો તથા ઈન્ફોમેશન ટેકનોલોજી એકટ-2000 ની વિવિધ કલમો હેઠળ ગુન્હા દાખલ થયેલ છે.