Jai Hind

કલ્યાણપુરના વીરપર ગામે રસ્તામાં નડતરરૂપ દિવાલનું કહેતા પરિવારનો યુવાન પર હુમલો

નોકરીમાંથી છુટો કરી દેવાતા ખંભાળિયાના શખ્સે સુપરવાઈઝરને માર્યોે

કલ્યાણપુર તાલુકાના વીરપર ગામે યુવાને રસ્તામાં નડતરરૂપ દિવાલ બાબતે પરિવારને કહેતા પરિવારજનોએ ઝઘડો કરી યુવાનને લમધારતા સમગ્ર મામલે પોલીસ મથકે પહોચ્યો છે. પોલીસે મહિલાઓ સહિત ચાર સામે ગુનો નોંધ્યો છે. જ્યારે ભાણખોખરી ગામે આવેલી પવનચક્કીની કંપનીમાંથી ખંભાળિયાના યુવાનને છુટો કરી દેવાતા તેણે ક્ંપનીના સુપરવાઈઝરને માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
કલ્યાણપુર તાલુકાના વીરપર ગામે રહેતા હમીરભાઈ માંડણભાઈ ચાવડા નામના 42 વર્ષના યુવાન પર તેમના કુટુંબી એવા વીજીબેન ભીખાભાઈ ચાવડા, ખીમાભાઈ ડાડુભાઈ પાઉ, રેખાબેન ભીખાભાઈ ચાવડા અને મણીબેન ભીખાભાઈ ચાવડાએ બોલાચાલી કરી, દાતરડા, કુહાડા અને ધોકા વડે હુમલો કરી, ઈજાઓ કર્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
ફરિયાદી હમીરભાઈના ઘરની બહાર નીકળતા રસ્તામાં બેલાની કાચી દિવાલ હોય, જેથી તેમણે આરોપીઓને કહેલ કે “આ કાચી દિવાલથી રસ્તો બંધ થઈ ગયો છે”. આનાથી ઉશ્કેરાઈ ગયેલા આરોપીઓએ હુમલો કર્યો હોવાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જે અંગે કલ્યાણપુર પોલીસે મહિલાઓ સહિત તમામ ચાર આરોપીઓ સામે બીએનએસ તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.
ખંભાળિયા – ભાણવડ માર્ગ પર અત્રેથી આશરે 20 કિલોમીટર દૂર ભાણખોખરી ગામની સીમમાં આવેલી પવનચક્કી કંપનીમાં ફરજ બજાવતા શિવકુમાર એમ. બેલાગલ નામના 26 વર્ષના સુપરવાઇઝરની કંપની દ્વારા ખંભાળિયાના કરણ વીરાભાઈ ધમા નામના શખ્સને નોકરીમાંથી છૂટો કરી દીધેલ હોય, જે અંગેનો ખાર રાખી, આરોપી કરણ ધમાએ તેમને છરી બતાવી, લાકડાના ધોકા વડે બેફામ માર માર્યો હતો. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે કંપની સુપરવાઇઝર શિવકુમારની ફરિયાદ પરથી આરોપી કરણ ધમા સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.