Jai Hind

રાજુલામાં પેટા કોન્ટ્રાક્ટરને હટાવી ગુણવત્તાયુક્ત કામ કરાવવાની માંગ ઉગ્ર

રાજુલા ખાતે ચાલી રહેલી વાવેરા પાઇપલાઇન અને માર્ગ મરામત કામગીરી અંગે આજરોજ પ્રાંત કલેક્ટર કચેરી ખાતે ૠઞઉઈના અધિકારીઓ સાથે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં વાવેરા પાઇપલાઇનનું કામ વહેલી તકે પૂર્ણ કરવા તેમજ ચોમાસા પૂર્વે રાજુલા-છતડીયા રોડ સહિત વિવિધ સ્થળોએ તૂટી ગયેલા રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.
બેઠક દરમિયાન પ્રાંત કલેક્ટર, નગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ તથા સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજુલા-છતડીયા રોડ પર પાઇપલાઇન નાખ્યા બાદ કરવામાં આવેલા સીસી રોડના કામ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કરવામાં આવેલું સીસી કામ હાલમાં અનેક જગ્યાએ બેસી ગયું છે, જેના કારણે માર્ગની સ્થિતિ અત્યંત બિસ્માર બની ગઈ છે.
શાળાઓનું વેકેશન પૂર્ણ થવા જઈ રહ્યું હોવાથી આગામી દિવસોમાં હજારો વિદ્યાર્થીઓ, મહિલાઓ અને વાહનચાલકો આ માર્ગનો ઉપયોગ કરશે. આવી સ્થિતિમાં અકસ્માતની શક્યતાઓ વધવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે કામ પેટા કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવતાં મોડી રાતે ઉતાવળમાં અને આડેધડ કામગીરી કરવામાં આવી હતી, જેના કારણે કામની ગુણવત્તા પર પ્રશ્નો ઊભા થયા છે. પરિણામે કરવામાં આવેલું સીસી વર્ક ટૂંકા સમયમાં જ નુકસાન પામ્યું હોવાનું જણાઈ રહ્યું છે.
આ સંજોગોમાં સ્થાનિક આગેવાનો અને નાગરિકોએ હાલનું સીસી કામ ફરીથી ગુણવત્તાપૂર્વક કરાવવા, જવાબદાર પેટા કોન્ટ્રાક્ટરને હટાવવા તથા અનુભવી અને જાણકાર એજન્સીને કામ સોંપવાની માંગ ઉઠાવી છે