Jai Hind

ધ્રાંગધ્રાના ધ્રુમક ગામે કૂવામાંથી યુવતીની લાશ મળી, હત્યાની આશંકા

બે દિવસથી હતી લાપતા, પરિવારજનોએ વ્યકત કરેલી આશંકાની દિશામાં તપાસ

ધ્રાંગધ્રા તાલુકાના ધ્રુમઠ ગામે એક કૂવામાંથી 19 વર્ષીય યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. મંગળવારે સવારે ઘરેથી નીકળેલી યુવતીનો મૃતદેહ બીજા દિવસે સવારે મળતા ચકચાર મચી ગઈ હતી. પરિવારજનોએ યુવતીની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ધ્રુમઠ ગામની હીનાબેન વનજીભાઇ ઘુઘલીયા મંગળવારે સવારે કુદરતી હાજત માટે તળાવ તરફ ગયી હતી.
લાંબા સમય સુધી ઘરે પરત ન ફરતા પરિવારે તેમની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન તળાવના કાંઠેથી હીનાના ચપ્પલ અને ડબલું મળી આવ્યા હતા, પરંતુ યુવતીનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ઘટનાના બીજા દિવસે, બુધવારે સવારે તળાવ પાસે આવેલા એક કૂવામાંથી યુવતીનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો.
પરિવારે મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો અને સ્થાનિક પોલીસને જાણ કરી હતી. યુવતીના પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી ન્યાયની માંગ કરી છે.
ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે આ મામલે એ.ડી. (એક્સિડેન્ટલ ડેથ) દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ થશે.