Jai Hind

પાણીધ્રામાં શંકાસ્પદ કેમિકલયુક્ત દારૂ કાંડમાં એકનું મોત નીપજયું

મૃતદેહને પેનલ પીએમ માટે મોકલાયો

માળિયા હાટીના તાલુકાના પાણીધ્રા ગામે શંકાસ્પદ કેમિકલયુક્ત પ્રવાહી પીવાથી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બે વ્યક્તિઓ પૈકી શુક્રવારે કમલેશ કરગઠીયા નામના યુવાનનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજયુ હતું.
ગત તા. 31 મે ના રોજ માળિયા હાટીના તાલુકાના પાણીધ્રા ગામે શંકાસ્પદ કેમિકલયુક્ત નશાકારક પ્રવાહી પીવાથી 4 લોકોની તબિયત લથડી હતી, જેમાંથી બે લોકોની તબિયત સુધારા પર આવી જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, જ્યારે એક વૃદ્ધા તથા કમલેશ કરગઠીયા નામનો યુવક હોસ્પિટલના બિછાને જતો, દરમિયાન શુક્રવારે કમલેશ કરગઠીયાનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજયુ હતું.
તબીબોના પ્રાથમિક તબીબી રિપોર્ટમાં મરણ જનાર યુવકનું મોત કિડનીની બીમારી હતી અને કેમિકલયુક્ત પ્રવાહી પીવાથી શરીરમાં ઝેરી અસર થઈ જવાથી થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. જો કે, મામલાની ગંભીરતાને જોતાં તંત્ર દ્વારા મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે, અમે સત્તાવાર રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સામે આવશે.
જો કે, માળિયા હાટીના તાલુકાના પાણીધ્રા ગામે ઘટેલી ઘટના અંગે ઇન્ચાર્જ એસ.પી. રોહિત ડાગરે અગાઉ જ પત્રકારો સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે, ઘટના બાદ પોલીસે શંકાસ્પદ કેમિકલ પદાર્થ કબજે કર્યો હતો. અને એફ.એસ.એલ. ખાતે પરીક્ષણ માટે મોકલતા રિપોર્ટમાં પ્રવાહી પદાર્થની અંદર મિથેનોલની હાજરી શૂન્ય ટકા આવી છે, એટલે શંકાસ્પદ પ્રવાહીમાં મિથેનોલ નથી. આ સાથે પકડાયેલા આરોપીએ અગરબતીમાં સુગંધ માટે વપરાતું કેમિકલ દારૂ બનાવવા વપરાયું હોવાની કબુલાત આપી છે. એટલે આ ઘટના ‘લઠ્ઠાકાંડ’ નથી.