આયોજીત થનાર અનેકવિધ કાર્યક્રમો અંગે નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલેએ પ્રેસ સાથે વાર્તાલાપ કર્યો
વડાપ્રધાન ના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ જનકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોના જિલ્લામાં કાર્યાન્વયન અંગેની માહિતી નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે પ્રાંત કચેરી ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં આપી હતી. નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન ના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે જિલ્લામાં “વિકસિત ભારત સંકલ્પ સંમેલન, જનકલ્યાણ શિબિર તથા પ્રગતિ પથ યાત્રા” જેવા મહત્વપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમો થકી જનસામાન્યને સ્પર્શતા વિવિધ વિકાસકાર્યોની માહિતી લોકો સુધી ’વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ દ્વારા આપવામાં આવશે. તે જ રીતે વિવિધ જનકલ્યાણ શિબિરો દ્વારા લોકો સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચાડવામાં આવશે. આ ઉપરાંત જિલ્લામાં છેલ્લા 12 વર્ષ દરમિયાન થયેલા વિકાસના કાર્યોનું પ્રત્યક્ષ નિદર્શન પ્રગતિ પથ યાત્રા કરવામાં આવશે. આ ઉપરાંત વન વિભાગના સહયોગથી દરેક ગામ દીઠ ઓછામાં ઓછા 12 વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા જુદી જુદી જગ્યાઓએ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે. વિકસિત ભારત સંકલ્પ સંમેલનની વિગતો આપતા તેમણે જણાવ્યુ હતું કે, તા.11 જૂનના રોજ વેરાવળ સ્થિત નગરપાલિકા કોમ્યુનિટી હોલ, ડાભોર રોડ ખાતે જિલ્લા કક્ષાનું “વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાશે. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના વિવિધ ક્ષેત્રોમાં સન્માનિત થયેલા વ્યક્તિઓ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા, મહિલા સશક્તિકરણ ક્ષેત્રે સન્માનિત મહિલાઓ સહિતના 500 જેટલા બૌદ્ધિક નાગરિકો ઉપસ્થિત રહેશે. આ શિબિર અંતર્ગત વેરાવળમાં 5, સુત્રાપાડામાં 4, તાલાળામાં 3, કોડીનારમાં 5, ઉના તાલુકામાં 7, ગીર ગઢડામાં 4 સહિત જિલ્લાની તમામ 28 જિલ્લા પંચાયત બેઠકોમાં કુલ 28 જનકલ્યાણ શિબિરો યોજાશે. તેમ તેમણે જણાવ્યું હતું. પ્રગતિ પથ યાત્રા વિશે તેમણે જણાવ્યું હતું કે, તા.12 જૂન તથા 13 જૂન 2026 દરમિયાન “પ્રગતિ પથ યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું છે. જેના પ્રથમ તબક્કામાં તા.12/06/2026 ના રોજ જિલ્લાના માનનીય ધારાસભ્યશ્રીઓ તથા જિલ્લા મહાનુભાવોની ઉપસ્થિતિમાં અને બીજા તબક્કામાં તા.13/06/2026 ના રોજ વિદ્યાર્થીઓ, યુવાનો, સમાજના વિવિધ વર્ગોના પ્રતિનિધિઓ તથા અગ્રણી નાગરિકોની ભાગીદારી સાથે યાત્રા યોજાશે.