દીપડીના બચ્ચાનું સફળ રેસ્ક્યૂ કરી વનવિભાગે બચાવ્યો જીવ
અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વન્ય પ્રાણીઓના મોતના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજુલા તાલુકાના ઉચૈયા ગામે આજે એક વર્ષ જેટલી ઉંમરનું દીપડાનું બચ્ચું એક ખુલ્લા કૂવામાં ખાબકતાં વનવિભાગે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી તેનું સફળતાપૂર્વક બચાવ કાર્ય કર્યું હતું.
મળતી માહિતી મુજબ શેત્રુંજી ડિવિઝનના રાજુલા રેન્જ વિસ્તાર હેઠળ આવેલા ઉચૈયા ગામમાં ચંપુભાઈ વાજસૂરભાઈની વાડીમાં આવેલા કૂવામાં એક વર્ષનું દીપડાનું બચ્ચું અચાનક ખાબકતા ગયું હતું. તે અંગેની જાણ સ્થાનિક લોકો દ્વારા વનવિભાગને કરવામાં આવતા વન અધિકારીઓ અને સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
વનવિભાગની ટીમે પરિસ્થિતિનું નિરીક્ષણ કરીને સાવચેતી પૂર્વક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. દીપડાનું બચ્ચું ગભરાયેલું હોવા છતાં ટીમે કુશળતાપૂર્વક કામગીરી કરીને તેને કૂવામાંથી બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.
સમગ્ર કામગીરી દરમિયાન સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થયા હતા.
રેસ્ક્યૂ બાદ દીપડાના બચ્ચાની પ્રાથમિક તબીબી તપાસ કરવામાં આવી હતી. વધુ સારવાર અને નિરીક્ષણ માટે તેને બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યું છે. વનવિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર બચ્ચાની તબિયત પર સતત નજર રાખવામાં આવી રહી છે અને સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તેને કુદરતી રહેઠાણમાં પરત છોડવા અંગે નિર્ણય લેવામાં આવશે.