Jai Hind

ભાટીયામાં પાંચ શખ્સે મહિલાને માર મારી ધમકી આપતા ફરિયાદ

ગુરગઢ ગામે સામાન્ય બાબતે વૃધ્ધને માર્યો

કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે નજીવી બાબતે પાંચ શખ્સે મહિલાને મારી ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જ્યારે ગુરગઢ ગામે સામાન્ય બાબતે વૃધ્ધને માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા નથીબેન ટપુભાઈ આલાભાઈ મકવાણા નામના 55 વર્ષના મહિલા સાથે તેમના ઘરના વાસીંદા બાબતે બોલાચાલી કરી, આ જ વિસ્તારમાં રાહુલ ડાયા મકવાણા, રમેશ ડાયા, લખમણ ડાયા વિનોદ ડાયા અને ડાયા આલા મકવાણા નામના પાંચ શખ્સોએ તેમને બિભત્સ ગાળો કાઢી, ઢીકા-પાટુનો માર માર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અનુલક્ષીને પોલીસે તમામ પાંચ આરોપીઓ સામે બીએનએસની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.
કલ્યાણપુર તાલુકાના ગુરગઢ ગામે રહેતા બાવાભાઈ જુસબભાઈ સેતા નામના 65 વર્ષના વૃદ્ધ તેમના ઘરની બહાર રહેલા ઓટલા પર બેઠા હતા. ત્યારે આ વિસ્તારમાં આવેલા આરોપી રાણા જુસબભાઈ સંઘારએ તેમના ઘરની સામે મોટરસાયકલ રાખી, બાવાભાઈ સેતાના ઘરની સામે જોયું હતું. જેથી બાવાભાઈએ પૂછતા આરોપી રાણા સંઘારએ ઉશ્કેરાઈને તેમને બિભત્સ ગાળો ભાંડી, હાથ મરડી નાખી, બાજુમાં રહેલા પથ્થર વડે તેમને ઈજાઓ કરતા આ અંગે કલ્યાણપુર પોલીસે બાવાભાઈની ફરિયાદ પરથી રાણા સંઘાર સામે ગુનો નોંધ્યો છે.