29 જેટલા ખેડૂતોને જમીન વળતર પેટે રૂ. 17.98 કરોડના ચેકનું વિતરણ
રાજ્યના નર્મદા જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ અંતર્ગત ખંભાળિયામાં રેંટા કાલાવડ જળ સંપત્તિ યોજના હેઠળ 29 જેટલા ખેડૂતોને જમીન વળતર અંગેના ચેકનું વિતરણ અહીંના ધારાસભ્ય મુળુભાઈ બેરાના હસ્તે કરાયું હતું.
આ પ્રસંગે ઉદબોધન કરતા ધારાસભ્ય મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતોને વીજળી, સિંચાઈનું પાણી મળે અને પાકના પૂરતા ભાવ મળે તે માટે સતત કાર્ય કરી રહી છે. આપણા વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક ચેકડેમોનું નિર્માણ કરવામાં આવ્યું છે. અનેક યોજનાઓ દ્વારા ખેડૂતોને સહાય કરવામાં આવી રહી છે. આ સિંચાઈ યોજનાથી ખૂબ મોટા વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે. રૂ. 17.98 કરોડ જેટલી રકમના ચેક કુલ 29 જેટલા ખેડૂતોને ખેડૂતોને જમીન સંપાદન વળતરના ચેક વિતરિત કરવામાં આવ્યા હતા. હાલના સમયમાં થતા આબોહવાકીય પરિવર્તનને કારણે પર્યાવરણીય સમતુલા ખોરવાઈ ગઈ છે જેની સામે જાગૃત થવું ખૂબ જ આવશ્યક છે. વરસાદી પાણીને વહી જતું અટકાવવા “કેચ ધ રેન” અભિયાન થકી વરસાદી પાણીના સંગ્રહ કરવા માટે પ્રેરણા પૂરી પાડી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલને રૂ. 67 કરોડના ખર્ચે ન્યૂ સલાયા બંધારા યોજના મંજૂરી આપવા બદલ તેમણે આભાર વ્યકત કર્યો હતો. આ યોજના થકી નદીના મીઠા પાણીને દરિયામાં વહી જતું અટકશે તેમજ આ વિસ્તારના ભૂગર્ભના જળસ્તર ઊંચા આવતા મીઠા પાણીનો સંચય કરવામાં ખૂબ જ ઉપયોગી થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
જૂની ફોટ ગામે ક્ષાર અંકુશ વિભાગના કાર્યપાલક ઇજનેર જે.જે. પટેલે મહેમાનોનું સ્વાગત કર્યું હતું તેમજ રેંટા કાલાવડ જળ સંપત્તિ યોજનાની રૂપરેખા આપી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય ડો. પી.વી. કંડોરિયા, જયેશભાઈ જેઠવા, તાલુકા પંચાયત પ્રમુખ શક્તિસિંહ જાડેજા, પ્રાંત અધિકારી કે.કે. કરમટા, મામલતદાર વાય.પી. ગઢવી, તાલુકા વિકાસ અધિકારી એન.એલ. બેડીયાવદરા, કશ્યપભાઈ ડેર, એભાભાઈ કરમૂર, રામજીભાઈ મારૂ, રાજુભાઈ ગોજીયા, પ્રતાપભાઈ પિંડારિયા સહિત સ્થાનિક આગેવાનો, અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રેંટા કાલાવડ ગામ પાસે સોરઠી નદી પર રેંટા કાલાવડ જળ સંપત્તિ યોજના હેઠળ જમીન સંપાદનની પ્રક્રિયાના ભાગરૂપે ખેડૂતોને વળતરના ચેક વિતરણ કરાયું હતું. યોજનાની મુખ્ય વિશેષતાઓ અને બાંધકામ જોઈએ તો આ યોજનામાં અંદાજે રૂ. 11.92 કરોડના ખર્ચે 285 મીટર લંબાઈનો કોંક્રીટ ડેમ, 1595 મીટરનો માટીબંધ અને 960 મીટર આગળ નહેર બહિરદ્વાર તૈયાર કરવામાં આવ્યા છે. જળાશયની કુલ સંગ્રહ ક્ષમતા 5.74 મી.ઘ.મી. છે, જેમાંથી 5.03 મી.ઘ.મી. જીવંત જથ્થો ઉપલબ્ધ રહેશે.
સાત ગામોના ખેડૂતોને થશે સીધો લાભ આ સિંચાઈ યોજના દ્વારા ભાણવડ તાલુકાના રેંટા કાલાવડ, ગુંદા, ગુંદલા, સાજડીયારી, કંટોલીયા, સણખલા અને ખંભાળીયા તાલુકાના ફોટ ગામ મળી કુલ 7 ગામોની 835 હેક્ટર જમીનને ઉદવહન સિંચાઈની સવલત પ્રાપ્ત થશે. આ ઉપરાંત, ભૂતળ રિચાર્જ થવાથી આડકતરી રીતે ખેતી અને પીવાના પાણીના પ્રશ્નોમાં પણ રાહત મળશે.