એલસીબી પોલીસે કુલ રૂ. પાંચ લાખ જેટલો મુદ્દામાલ કબજે કર્યો
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ જિલ્લામાં દારૂ, જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક હાથે કાર્યવાહી કરવા એલસીબીની ટીમ દ્વારા ગતરાત્રે નાઈટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન મોડી રાત્રીના સમયે ભાણવડ તાલુકાના ગુંદા ગામથી જામપર ગામ તરફ જતા માર્ગે પસાર થતી જી.જે. 10 સી.જી. 3186 નંબરની એક બ્રેજા મોટરકારને પોલીસ સ્ટાફે અટકાવવાનો ઇશારો કરતા આ મોટરકાર ચાલક નાસી છૂટવા લાગ્યો હતો. પરંતુ પોલીસે તેનો પીછો કરતા આ મોટરકારનો ચાલક પોતાની કાર રસ્તામાં રેઢી મૂકીને અંધારામાં નાસી છૂટ્યો હતો.
આ પછી પોલીસ દ્વારા કારમાં ચેકિંગ કરવામાં આવતા આ મોટરકારમાંથી વિદેશી દારૂની 128 બોટલ મળી આવી હતી. આથી પોલીસે રૂ. ચાર લાખની કિંમતની મોટરકાર તથા રૂપિયા 92,324 ની કિંમતના પરપ્રાંતિય શરાબના જથ્થા સહિત કુલ રૂ. 4,92,324 નો મુદ્દામાલ કબજે કરી, આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી, બી.એમ. દેવમુરારી, એમ.આર. સવસેટા, એસ.વી. કાંબલીયા, મસરીભાઈ ભારવાડીયા, શક્તિસિંહ જાડેજા, શક્તિસિંહ ઝાલા, ગોવિંદભાઈ કરમુર, પરેશભાઈ સાંજવા, મયુરભાઈ ગોજીયા, હસમુખભાઈ કટારા, સચીનભાઈ નકુમ, કિરપાલસિંહ ચૌહાણ અને પરેશભાઈ ચાવડાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.