Jai Hind

બાબરા નગરપાલિકાના કર્મચારી એબીસીના લાંચના છટકામાં રંગે હાથ ઝડપાયો

જન્મ-મરણનો દાખલો કાઢી આપવા રૂ.4000ની લાંચ માંગેલી: જો ઉંડી તપાસ થાય તો આવી અનેક ચોંકાવનારી હકિકતો બહાર આવે

અમરેલી એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા ગોઠવાયેલા સફળ છટકામાં ભાજપ શાસિત બાબરા નગરપાલિકાના જુનિયર ક્લાર્ક તથા ઇન્ચાર્જ સબ-રજીસ્ટ્રાર (જન્મ-મરણ) તરીકે ફરજ બજાવતા નનુભાઈ મામૈયાભાઈ ગમારા (ઉ.વ. 54) રૂ. 4,000ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાતા બાબરા શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદીના મિત્રની દીકરીના જન્મ તારીખના દાખલા માટે આરોપીએ રૂ. 5,000ની લાંચની માંગણી કરી હતી. બાદમાં રકઝકના અંતે રૂ. 4,000માં સોદો નક્કી થયો હતો. ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે અમરેલી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ગોઠવાયેલા છટકા દરમિયાન બાબરા બાયપાસ નજીક આવેલી ઠાકરઘણી હોટલ ખાતે આરોપીએ રૂ. 4,000ની લાંચ સ્વીકારતા એસીબીની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો. આ ટ્રેપની કાર્યવાહી ટી.એસ. રીઝવી, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર, અમરેલી એસીબી પોલીસ સ્ટેશન તથા તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. સમગ્ર કામગીરીનું સુપરવિઝન એસ.એન. બારોટ, મદદનીશ નિયામક, એસીબી ભાવનગર એકમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઘટનાને લઈને બાબરા શહેરમાં અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે. શહેરના જાગૃત નાગરિકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે બાબરા નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી એક પછી એક વિવાદોના કારણે ચર્ચામાં રહી છે. અગાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને સભ્યો વચ્ચે થયેલા હોબાળા, કરોડો રૂપિયાના ટેન્ડર સંબંધિત વિવાદો તેમજ વહીવટી ગેરરીતિઓના આક્ષેપો બાદ હવે કર્મચારી એસીબીના છટકામાં ઝડપાતા નગરપાલિકાની કાર્યશૈલી સામે ફરી પ્રશ્નો ઊભા થયા છે. શહેરમાં એવી પણ ચર્ચા જોવા મળી રહી છે કે જો સંબંધિત તંત્ર દ્વારા નગરપાલિકાના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓની કામગીરી, આવકના સ્ત્રોતો, બેંક ખાતાઓ અને મિલકતોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો હજુ વધુ ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે.