પ્રતિબંધાત્મક જાહેરનામાનો ભંગ કરી વિડિયો સોશ્યલ મિડિયા પર વાયરલ કરવો ભારે પડયો
કોડીનાર તાલુકાની શિંગોડા નદી પર આવેલા સુપ્રસિદ્ધ જમજીર ધોધ ખાતે પ્રતિબંધ હોવા છતાં જીવના જોખમે સોશિયલ મીડિયા માટે વીડિયો (રીલ્સ) બનાવવાનો ક્રેઝ પાંચ યુવકોને ભારે પડ્યો છે. અખબારી અહેવાલોના તીખા પડઘા બાદ વહીવટી તંત્ર અને પોલીસ સફાળી જાગી છે. ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો સરેઆમ ભંગ કરવા બદલ કોડીનાર પોલીસ મથકમાં પાંચેય શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા ની કલમ અંતર્ગત ધોરણસરનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જમજીર ધોધ ખાતે ભૂતકાળમાં ડૂબી જવાથી અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેને ધ્યાને રાખીને તંત્ર દ્વારા ધોધના ઊંડા પાણીમાં પ્રવેશવા કે ત્યાં ન્હાવા પર તેમજ ધોધ નજીક થી સેલ્ફી લેવા રીલ્સ બનાવવવા પર કડક પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આમ છતાં, આ પાંચ શખ્સોએ જાહેરનામાની ઐસીતૈસી કરીને ધોધના જોખમી પાણી માં ઉપર થી કૂદી ન્હાતા હોય તેવી રીલ્સ બનાવી હતી. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ આઇડી પર અપલોડ કરી વાયરલ કરવામાં આવ્યો હતો, જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જે અંગે મીડિયામાં અને અખબારોમાં અહેવાલો પ્રસિદ્ધ થતા આ ગંભીર બાબત તંત્રના ધ્યાનમાં આવતાં સદરહું ઈસમો સામે ધોરણસરની ફરિયાદ દાખલ કરી ગીર સોમનાથના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ આલ દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. જેના આધારે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી કોડીનાર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ વાલાભાઈ પરમારની ફરિયાદના આધારે જાહેરનામા ભંગ બદલ સોયેબ રફીક દરજાદા (રહે. વલાદર, તા. કોડીનાર),મુસ્તફા ઉર્ફે મુન્નો કરીમભાઈ મકવાણા (રહે. વલાદર, તા. કોડીનાર),શિરાજ શકિલતભાઈ બ્લોચ (રહે. ઉના),શાહીદ મહમદયુનુસ બ્લોચ (રહે. ઉના),સાબીર જુમાભાઈ ચાવડા (રહે. નવાબંદર, તા. ઉના) સામે ગીર સોમનાથના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા આખરી જાહેરનામા નો ભંગ કરવા બદલ આ તમામ શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ-223 મુજબ ગુનો નોંધી આગળની તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ આર. વી. પરમાર દ્વારા ચલાવવામાં આવી રહી છે.