Jai Hind

ખંભાળીયાનાં ધરમપુરમાં મકાનમાં ચાલતી કલબ પર દરોડો; ચાર મહિલા સહિત છ જુગારી ઝબ્બે

પોલીસે 31,850ની રોકડ મળી રૂ.61,850નો મુદામાલ કબ્જે કર્યો

જામખંભાળીયાના ધરમપુર વિસ્તારમાં આવેલા મકાનમાં ધમધમતી કલબ પર પોલીસે દરોડો પાડી ચાર મહિલા સહિત છ શખ્સને જુગાર રમતા ઝડપી લઈ રૂ.31,850ની રોકડ મળી રૂ.61,850નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે. ખંભાળિયા વિસ્તારમાં એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એલસીબીના એ.એસ.આઈ. મસરીભાઈ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા અને લાખાભાઈ પિંડારિયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયામાં જામનગર રેલવે ફાટક પાસે આવેલા એક મંદિરની બાજુમાં કૃષ્ણનગર 3 (ધરમપુર) ખાતે રહેતા ઇન્દ્રજીતસિંહ સુખદેવસિંહ જેઠવા નામના શખ્સ દ્વારા પોતાના કબજા ભોગવટના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી અને તેઓને લાઈટ, પાણી અને જુગારના સાધનોની વ્યવસ્થા પૂરી પાડી, તેના બદલામાં નાલ ઉઘરાવીને રમાડતા જુગારના અખાડા પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. અહીં એલસીબી પોલીસે જુગાર દરોડો પાડતા આ સ્થળેથી ઇન્દ્રજીતસિંહ સુખદેવસિંહ જેઠવા, ભાવેશ રામુભાઈ લમાણી, ગાયત્રીબેન ભાવેશ લમાણી, આશાબેન હિતેશ કાનાણી, જાનવીબેન દિલીપ સચદેવ અને આશાબેન દિલીપ સચદેવ નામના છ પત્તાપ્રેમીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. આ સ્થળેથી પોલીસે રૂપિયા 31,850 ની રોકડ રકમ તથા રૂપિયા 30,000 ની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 61,850 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી.