Jai Hind

તુલસીશ્યામ મંદિર પાસે 12 ફૂટનો સાંકડો રોડ જોખમી : ટ્રાફિકમાં ફસાતા વાહનો

ટ્રાફિક જામથી ડીઝલનો બગાડ, સમયની બરબાદી તાત્કાલિક રોડ પહોળો કરવા લોક માંગણી

છેલ્લા બે વર્ષમાં ઉના-તુલસીશ્યામ સુધીનો રોડ નવો બનતા યાત્રિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. પહેલા કાચા અને ખાડાવાળા રસ્તાને કારણે લોકોને મુશ્કેલી પડતી હતી, પણ હવે નવો ડામર રોડ બનતા મુસાફરી સુખદ બની. પરંતુ આખા રૂટમાં એકમાત્ર મંદિરથી 500 મીટર આગળ આવેલો ઉના-ધારી તરફનો પટો નવો રોડ બન્યો પરંતુ બારસ ફૂટ એક પણ વાહન કરી ન શકે સ્થિતિમાં જ રહી ગયો છે અને હાલ તે યાત્રિકો માટે માથાનો દુખાવો અને જીવલેણ જોખમ બની ગયો છે.
મંદિરના મુખ્ય ગેટથી ધારી, રાજકોટ, જૂનાગઢ તરફ જતો રોડ અચાનક સાંકડો થઈ જાય છે. અહીં રોડની પહોળાઈ માત્ર 12 ફૂટ રહી જાય છે. જ્યારે બંને બાજુ રોડથી 2 થી 3 ફૂટ નીચે ઊંડા ખાડા અને ત્યારબાદ નદી વહે છે. ચોમાસામાં આ નદીમાં પાણી પણ વધી જાય છે. પરિણામે એક ફોરવીલ ગાડી માંડ પસાર થઈ શકે એવી સ્થિતિ છે. જો સામેથી કોઈ બીજું વાહન આવી જાય તો બંનેમાંથી એકને રોડ પરથી નીચે ઉતરીને કલાકો સુધી રાહ જોવી પડે છે. ઘણી વખત ડ્રાઇવરોએ વાહન રિવર્સમાં 200-300 મીટર સુધી લેવું પડે છે. થોડી પણ ભૂલ થાય અને વાહનનું પૈડું ખાડામાં ઉતરી જાય તો સીધું નદીમાં પડી જવાનો ભય રહે છે. રાત્રે અને ધુમ્મસમાં તો આ જોખમ અનેકગણું વધી જાય છે.
હાલ ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે એટલે તુલસીશ્યામ ખાતે દર્શનાર્થીઓનો ધસારો ચરમસીમાએ છે. સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ, પરિવારો અને વૃદ્ધો મોટી સંખ્યામાં દર્શને આવે છે. શનિ-રવિ અને રજાના દિવસે તો મંદિર પરિસર અને પાર્કિંગ ફૂલ ભરાઈ જાય છે. ધારી, તુલસીશ્યામથી આગળ રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર તરફ જતા તમામ કોમર્શિયલ અને પેસેન્જર વાહનો માટે આ એકમાત્ર રસ્તો છે.
આ સાંકડા 500 મીટરના પટા પર વાહનોની લાંબી કતારો લાગી જાય છે. ક્યારેક 1 થી 2 કલાક સુધી વાહનો એક જગ્યાએ ઉભા રહે છે. એન્જિન ચાલુ રાખવા પડતા પેટ્રોલ-ડીઝલનો બગાડ થાય છે.