Jai Hind

વડિયા લેઉવા પટેલ સમાજની બેઠકમાં સમાજલક્ષી નિર્ણયો લેવાયા

વડિયા મુકામે લેઉવા પટેલ સમાજની વાડી ખાતે લેઉવા પટેલ સમાજની બેઠક સમાજના પ્રમુખ કેશુભાઈ ઊંધાડના અધ્યક્ષસ્થાને મળી હતી. બેઠકમાં સમાજના વિકાસ અને હિતને ધ્યાનમાં રાખી વિવિધ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.
બેઠક દરમિયાન સમાજના આગેવાનો અને સભ્યોએ સમાજના ભાવિ વિકાસ, સામાજિક પ્રવૃત્તિઓ તેમજ સમાજની મિલકતોના સંવર્ધન અંગે ચર્ચા-વિચારણા કરી હતી.
આ પ્રસંગે પટેલ વાડીની બાજુમાં રહેતા સખીયા પરિવાર દ્વારા પોતાના વડીલોની યાદગીરી અને સ્મરણાર્થે તેમની માલિકીની અંદાજે 150 વાર રહેણાંક હેતુની જમીન સમાજને દાન સ્વરૂપે આપવાની જાહેરાત કરવામાં આવી હતી. સખીયા પરિવારના આ ઉમદા અને સેવાભાવી નિર્ણયને સમાજના સભ્યોએ વધાવી લીધો હતો અને સમગ્ર સમાજમાં આનંદની લાગણી પ્રસરી હતી. બેઠકમાં ઉપસ્થિત સમાજના આગેવાનો અને સભ્યોએ સખીયા પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી તેમના આ દાનને સમાજ માટે પ્રેરણાદાયી ગણાવ્યું હતું. સમાજના વિકાસ અને ભાવિ પેઢીઓના હિત માટે આ જમીનનો ઉપયોગ કરવામાં આવશે તેવી લાગણી પણ વ્યક્ત કરવામાં આવી હતી.